- રાજુલા શહેરમાં મહિલાએ એક સાથે ચાર બાળકોને આપ્યો જન્મ
- તબીબી વિજ્ઞાન માટે અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો
- નવજાત બાળકો પૈકી બે બાળકો અને બે બાળકીનો સમાવેશ
અમરેલી : જિલ્લાના રાજુલા શહેરમાં તબીબી વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં રહેતી રેશ્માબેન સેલોત નામની મહિલાએ એક સાથે ચાર તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. પ્રસૂતિ દરમિયાન માતા અને બાળકોની તબિયત બિલકુલ સામાન્ય જોવા મળી હતી, તેમ છતાં તબીબોએ તમામ સાવચેતી બાદ મહિલાને પ્રસૂતિ કરાવી હતી, જેમાં 4 તંદુરસ્ત બાળકોનો જન્મ થયો છે. જન્મ બાદ રાજુલા શહેરમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. એક સાથે ચાર જેટલા નવજાત અને એ પણ બિલકુલ તંદુરસ્ત બાળકોને જન્મનો કિસ્સો પ્રથમ વખત નોંધાયો છે, જેને લઇને રાજુલા શહેરમાં ભારે અચરજની સાથે તબીબી વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં આ કિસ્સો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.
માતા સહિત ચારેય બાળકો બિલકુલ તંદુરસ્ત
મળતી માહિતી પ્રમાણે માતા અને ચારેય નવજાત બાળકોની તંદુરસ્તી બિલકુલ સારી અને તબીબોએ માતા સહિત ચાર બાળકોને ભય મૂક્ત જાહેર કર્યા છે, એક સાથે ચાર બાળકોનો જન્મ થયો છે જે ચમત્કારથી જરા પણ ઓછો માનવામાં આવતો નથી, નવાઈની વાત એ છે કે ચાર બાળકોમાં બે બાળકો અને બે બાળકીનો સમાવેશ થાય છે, આ પ્રકારનું જોડકું પણ તબીબી વિજ્ઞાન માટે ખુબ જ રસપ્રદ માનવામાં આવી રહ્યું છે.
આ પ્રકારની પ્રસુતિ જોખમી
જોડિયા બાળકોના જન્મના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, પરંતુ રાજુલાના કિસ્સામાં બે બાળકો અને બે બાળકીનો જન્મ થવો ખૂબ જ અચરજ પમાડે તેવો જોવા મળ્યો છે, સામાન્ય સંજોગોમાં આ પ્રકારની પ્રસુતિ જોખમી માનવામાં આવતી હોય છે, પરંતુ આજે રેશ્માબેન મુશ્કેલ ગણાતી પ્રસુતિને ચાર તંદુરસ્ત બાળકોને જન્મ આપીને પ્રસ્તુતિને આસાન બનાવી દીધી છે, તેનો શ્રેય માતા રેશ્માબેનની સાથે તેમની પ્રસ્તુતિ કરાવનાર તબીબોને પણ જાય છે.