- અમરેલીમાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો
- ઘનઘોર વાદળો સાથે ચોમાસાની શરૂવાત
- બાબરામાં 9 મીમી અને લાઠીમાં 16 મીમી વરસાદ વરસ્યો
અમરેલીઃ જિલ્લામાં સાંજે વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવનની શરૂવાત સાથે મુશળધાર વરસાદના પધરાંમણા થયા હતા. લોકોએ બફારા અને ઉકળાટમાંથી છુટકારો મળ્યો હોઈ એમ વરસાદની મજા માણતા નજરે પડ્યાં હતાં. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ઘણા રસ્તામાં પાણી ભરણા હતા. થોડો સમય અમરેલીમાં મુશળધાર વરસાદને કારણે જન જીવન જાણે સ્થગિત કરી નાખ્યું હતું. વાદળો ઉખડતાની સાથે લોકો ફરી રસ્તા ઉપર નજરે પડ્યા હતા. મેઘરાજાએ પોતાની વિધિવત પધરામણી કરતા ખેડૂતો, શહેરીજનોમાં ખુશીનું મોજું પ્રસર્યું છે. આહલાદક ઠંડકભર્યા વાતાવરણમાં માર્ગો પર વરસાદી રિમઝીમથી રસ્તા તરબોળ થઈ રહ્યા છે. શહેરીજનો પણ રેઇનકોટ-છત્રીમાં સજ્જ થઈ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતાં.
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણમાં ગુરુવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. બુધ-ગુરુવારના 34 કલાકમાં વલસાડ જિલ્લામાં સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સરેરાશ અડધાથી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલને કારણે સર્વત્ર ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ પડું પડું થઈ રહ્યો છે, જેની સાથે ક્યાંક મેઘાની મહેર વરસી છે. આજે સવારે પણ નવસારી શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ બપોરે આકાશમાંથી કાળા વાદળો વિખેરાતા લોકો બફારા સાથે ગરમીમાં શેકાયા હતાં. જેથી નવસારીજનો ઉનાળો અને ચોમાસુ બે ઋતુઓનો અનુભવ કરી રહ્યાં છે.