અમરેલી:સૌરાષ્ટ્ર અને ખાસ અમરેલી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સિંહોના આંટાફેરા કંઈ નવી વાત નથી. છાશવારે સિંહો ગામડાંમાં ઘૂસીને શિકાર કરતા હોય છે, જેના ઘણા વીડિયો પણ સામે આવતા હોય છે. જોકે આજ રાતની ઘટના કંઈક અલગ જ જોવા મળી છે. રાજુલાના કોવાયા ગામ નજીક આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના રોડ ઉપર મધરાતે પાંચ સિંહો શિકારની શોધમાં ઘૂસ્યા હતા. સિંહ આખલાનો શિકાર કરે તે પહેલાં જ આખલાએ દોટ મૂકી અને સિંહના ટોળાને જીવ બતાવવા ભાગવું પડ્યું હતું. આ ઘટનાનો વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે.
સિંહના ટોળાને જીવ બતાવવા ભાગવું પડ્યું:રાજુલાના કોવાયા ગામ નજીક આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના રોડ પરનો એક વીડિયો વાયરલ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે શિકારની શોધમાં ઘૂસેલા 5 સિંહોએ એક આખલાને ટાર્ગેટ કર્યો હતો. જોકે આખલાએ એવી બહાદુરી બતાવી હતી કે સિંહો હાંફી ગયા હતા.
ગીર નજીક ગાયે મોત સામે લડી બે સિંહને ભગાડ્યા:સાતેક મહિના અગાઉ ગીર નજીક જંગલમાં બે સાવજો શિકારની શોધમાં હતા ત્યાં બંને સિંહોઓને જંગલમાં ગાય નજરે પડતાં એના પર હુમલો કર્યો હતો અને એનું મારણ કરવા પ્રયાસ કર્યો હતો. ડાલામથાએ ગાય પર હુમલો કરતાં એને ગંભીર ઈજા પહોંચી હતી. એમ છતાં ગાયે મોત સામે લડી બંને સિંહને ભગાડ્યા હતા. જેને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.