અમરેલીના બગસરા પંથકને હંફાવતો વધુ એક દીપડો - વનવિભાગ
બગસરા: અમરેલી જિલ્લાના બગસરાના નવા જાજરીયા ગામમાં વધુ એકવાર દીપડો દેખાતા જાણે કે દીપડાએ ગામને બાનમાં લીધું હોય તેવો માહોલ સર્જાયો છે. નવા જાજરીયા ગામમાં વધુ એક દીપડાની હાજરીના પૂરાવાઓ મળતાં ખેડૂતોની સાથે ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
અમરેલી જિલ્લાના બગસરા પંથકને દીપડાઓએ બાનમાં લીધું હોય તેવો માહોલ છેલ્લા 15 દિવસથી જોવા મળી રહ્યો છે. માનવભક્ષી બનેલા દીપડાએ ગત એક અઠવાડિયામાં 2 ખેડૂતોનો જીવ લીધો હતો. જેને લઈને ખેડૂતો અને ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વનવિભાગ દ્વારા હાલમાં જ એક માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર નવા જાજરીયા ગામમાં વધુ એક દીપડાની હાજરીના પુરાવા મળતા ખેડૂતો અને ગામ લોકોમાં ભય ફેલાયો છે. છેલ્લા 15 દિવસથી સમગ્ર બગસરા પંથકને બાનમાં લેનારો દીપડાઓ હજી પણ ગામની સીમમાં દેખાઈ રહ્યો છે. જેને લઈને ખેડૂતો અને ગામ લોકોએ પંથકના તમામ દીપડાઓને પાંજરે પૂરવા અથવા ઠાર મારવાની માગ કરી રહયાં છે.