Amreli News: સિંહણે પાંચ માસના અને દીપડાએ ત્રણ વર્ષના બાળકોનો કર્યો શિકાર, એક સાથે બેનું બાળમરણ અમરેલીઃસિંહણ અને દીપડાએ માસુમ બાળકનો શિકાર કર્યો છે. સિંહ અને દીપડા ઘાતક બની રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં દીપડા અને સિંહ વધુ ઘાતક બન્યા હોવાની વિગત સામે આવી છે. જિલ્લાના લીલીયા તાલુકાના ખારા ગામમાં તેમજ સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં ત્રણ વર્ષના બે બાળકનો સિંહણ અને દીપડા એ બાળકનો શિકાર કરી લેતા બંને ગામોમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી છે.
મેગા ઑપરેશન સફળઃઅમરેલી-લીલીયાના ખારા ગામમાં 5 મહિનાના બાળકને મોતને ઘાટ ઉતારનાર બન્ને પશુઓ સામે મેગા ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગને સફળતા મળી છે. પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના DCFની ટીમને મહત્વ પૂર્ણ સફળતા મળી છે. ઘટના સ્થળથી 1 કિલોમીટર દૂરથી સિંહણને રાઉન્ડપ કરી પાંજરે પુરવામાં આવી છે. વનવિભાગ દ્વારા ટાઇનકુલાઈજર કરી સિંહણને પાંજરે પુરી દેવાઈ છે. 42 ડીગ્રી તાપમાન વચ્ચે લીલીયા રેન્જના વનકર્મીઓ દ્વારા દોડધામ કરી સિંહણને પકડી પાડવામાં આવી હતી.
બાળકો પર હુમલાની ઘટના અંગે વન વિભાગને માહિતી પ્રાપ્ત થઈ છે. બાળકને મોતને ઘાટ ઉતારી દેનાર સિંહણને પકડવા માટે વન વિભાગે તેમની ચુનંદા કર્મચારીઓની ટીમને કામે લગાડી છે. કરજાળા ગામમાં દીપડાએ જે બાળકને મોતને ઘાટ ઉતાર્યો છે. તે દીપડાને રાતે જ પાંજરે પૂરી દેવામાં આવ્યો છે. લીલીયાના ખારા ગામમાં પાંચ માસના બાળક પર હુમલો કરનાર સિંહણને પકડવા માટે યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યું છે. લોકો પણ સાવચેત રહે વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરે. ખાસ કરીને રાત્રિના સમયે સુરક્ષિત અને મજબૂત એવા રહેઠાણોમાં રાત વિતાવે તો હિંસક પ્રાણીઓના હુમલાથી બચી શકાય તેમ છે.--ભરત ગાલાણી (લીલીયા રેંજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર )
વન વિભાગની દસ ટીમ તૈયારઃઆ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન અધિકારી જયંત પટેલની અધ્યક્ષતામાં ફોરેસ્ટની 10 ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં સિંહ અને દિપડાની સઘન શોધખોળ શરૂ કરી દીઘી છે. રાત્રિના સમયે નિર્દયતા પૂર્વક શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સિંહણ અને દીપડા એ ગત રાત્રિના સમયે ખૂબ જ નિર્દયતાપૂર્વક લીલીયા તાલુકાના ખારા ગામમાં સિહણે પાંચ માસના વિશાલ નામના બાળકનો શિકાર કર્યો છે.
પંથકમાં ભયનો માહોલઃ બીજી તરફ સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં ત્રણ વર્ષના ભુપત નામના બાળકનો શિકાર કરીને સમગ્ર જિલ્લામાં ભારે ભયનો માહોલ ઉભો કરી દીધો છે. દીપડા અને સિંહે બે બાળકોના શિકાર કરતા સમગ્ર અમરેલી જિલ્લામાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ છે. વન વિભાગની ટીમ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને હાલ બંને તાલુકામાં 10 જેટલી ટ્રેકર વન અધિકારી અને રેસ્ક્યુ કરી શકે તેવા વન કર્મીઓની ટીમ બનાવીને બન્ને પશુઓને પાંજરે પુરવા માટે કામગીરી શરૂ કરી છે.
ખૌફ યથાવતઃગીર પૂર્વની વન રેન્જમાં આવતા અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાનો ખોફ આજે પણ યથાવત જોવા મળે છે. આ વિસ્તારમાં સિંહ અને દીપડાની સંખ્યા ખૂબ જ જોવા મળે છે. આ વિસ્તારમાં આવેલા ડુંગરાળ અને અન્ય જંગલ વિસ્તારમાં સિંહ દેખાવા બિલકુલ સામાન્ય છે. આવી પરિસ્થિતિમાં સિંહ અને દિપડા ઉશ્કેરાઈ જઈને ખેડૂતો ખેત મજૂરો તેના પરિવારજનો અને કેટલાક કિસ્સામાં ગામ લોકો પર પણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારે છે. આજે માત્ર પાંચ માસના બાળક પર સિંહણે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે.
ચિરાગ ઓલવાયોઃપાંચ માસના મૃતક વિશાલના પરિવારજનોએ શિકારને લઈને વશવશો વ્યક્ત કર્યો છે. સિંહણ બકરાનો શિકાર કરવા માટે આવી હતી. કોઈ પણ ભોગે બકરા સિંહની પકડમાં નહીં આવતા તે અહીંથી દૂર જતી રહી. રાત્રિના સમયે નજીકમાં સુઈ રહેલા તેમના પરિવારજનોના માત્ર પાંચ માસના બાળક વિશાલને ઉઠાવીને જંગલમાં જતી રહી હતી. જંગલ વિસ્તારમાંથી મૃતક બાળકના અવશેષો પ્રાપ્ત થયા છે.