માનવભક્ષી દિપડાને લઈને વનવિભાગ પણ આવ્યું એક્શનમાં, દીપડાને ઠાર કરવા હાથ ધરી રણનીતિ - માનવભક્ષી દિપડા
અમરેલીઃ છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં દીપડાએ માનવ વધ જેવો ગંભીર કહી શકાય તેવો ગુન્હો કર્યો હતો. જેને વન વિભાગે પણ હવે પુષ્ટિ આપી દીધી છે, ત્યારે માનવ ભક્ષી બનેલા દીપડાને ઠાર મારવા માટે વનવિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. શનિવારની રાત્રીના સમયે ઓપરેશન દીપડો વન વિભાગ શરુ કરવા જઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં માનવભક્ષી દીપડાએ હાહાકાર મચાવ્યો છે જેને લઇને ખેડૂતો અને ગામ લોકો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા હતા ત્યારે આ માનવભક્ષી દીપડો ફરી એક વખત મોટા મુંજીયાસર ગામમાં વહેલી સવારે ત્રાટક્યો હતો અને ખેત મજુર ને દબોચીને તેનો શિકાર કર્યો હતો જેને લઇને ખેડૂતોમાં પણ હવે ભારે રોષ જોવા મળતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તાબડતોબ અમરેલી ધસી આવ્યા હતા અને જિલ્લા કલેકટર કચેરીમાં તાકીદની બેઠક બોલાવી ને આ દીપડાને ઠાર કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.