અમરેલી : બગસરા પંથકમાં સાંબેલાધાર વરસાદના પગલે સાતલડી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ સાથે જ મુંજિયાસર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બગસરા અને અમરેલી તાલુકાના કુલ 10 ગામોને એલર્ટ કરવામાં આવેલા છે. મુંજિયાસર ડેમ ઓવરફ્લો થતા સાતલડી નદી ગાડી તુર બની છે. પીઠડીયા ગામનો ચેકડેમ ઓવરફ્લો થતાં નદીનાળા, ખેતર, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. બગસરા અમરેલી બાયપાસ રોડ પર ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ સાથે બગસરા બાયપાસ રોડ પર ટ્રક રસ્તામાં ઉતરી ગયો હતો.
ગામડાઓમાં વરસાદ : સાપર સુડાવડ અને લુધિયાના વિસ્તારમાં ઘોઘમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સાતલડીના ધસમસતા પ્રવાહના કારણે અનેક ગામોના રસ્તા બંધ થયા છે. આ ઉપરાંત સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. મેરીયાણા, ભમ્મર, દોલતી, ગોરડકા, ખડસલી, વીજપડી, ગાધકડા, લીખાળા, મઢડા, ચીખલી, મીતીયાળા સહિત તાલુકાના મોટાભાગના ગામોમાં ભારે વરસાદ વરસતા નદી નાળાઓ છલકાયા છે. લાઠી શહેરમાં મોડી રાત્રે ઘોઘમાર વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા છે. તો બીજી તરફ સારા વરસાદને કારણે ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.