અમદાવાદ:સામાન્ય પણે હોસ્પિટલમાં બાળરોગ વિભાગ, સ્ત્રીરોગ વિભાગ તેમજ પુરુષ રોગના અલાયદા વિભાગ જોવા મળતા હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત વયોવૃધ્ધ દર્દીઓની દરકાર કરીને તેઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે, પ્રાથમિક સારવારથી લઇ ઇમરજન્સી સારવાર, સારસંભાળમાં કોઈપણ પ્રકારની અગવળ કે તકલીફ ઉભી ન થાય તે કારણોસર સ્વાસ્થય સેવાઓમાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે.
કોરોના સંક્રમિત થઈ સારવાર માટે આવતા ૭૦ વર્ષથી વધુ ઉમરના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ખાસ પ્રકારની સારવાર અને સારસંભાળની જરૂર પડતી હોય છે. તેમાં પણ કોમોર્બિડી ધરાવતા દર્દીઓમાં આવા વાયરસની ગંભીરતા, સંવેદનશીલતા વધુ જોવા મળે છે. આવા દર્દીઓની સારવારને લગતી પ્રાથમિક જરૂરિયાત અન્ય દર્દીઓની સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા આજ રોજ જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામા આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત આ જીરિયાટ્રીક વોર્ડમાં દાખલ તમામ દર્દીઓ માટે અલાયદા પેશન્ટ અટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવી છે. જે ૬ દર્દીઓ વચ્ચે એક પેશન્ટ અટેન્ડેન્ટ રહીને વયસ્ક દર્દીઓની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે જમાડવું, પાણી પીવડાવવું, બાથ આપવુ, તેમને પેશાબ માટે લઇ જવું, ડાયપર બદલવા જેવી બાબતોનું ધ્યાન રાખશે. આ વોર્ડમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ જેઓ વયસ્ક દર્દીઓની સારસંભાળમાં અનુભવી હોય તેવા જ નિમણૂંક કરવામાં આવશે. ૭૦ વર્ષથી વધુ ઉમરના દર્દીઓને એલોપેથી તેમજ વિવિધ સારવારની સાથે સાથે માનસિક સારવાર પધ્ધતિની પણ કાઉન્સેલીંગની પણ જરૂર પડતી હોય છે. જે બાબતોને ધ્યાનમાં રાખીને કાઉન્સેલરની પણ નિમણૂંક કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત જીરીયાટ્રીક વોર્ડમાં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો વયોવૃધ્ધ દર્દીઓને ચાલવામાં તકલીફ ન પડે તે માટે વોકર્સ મૂકવામાં આવ્યા છે. બાથરૂમ કે ટોયલેટમાં જાય ત્યારે બેસવા કે ઉભા થવામાં તકલીફ ના પડે તે માટે ગ્રેબર લગાડવામાં આવ્યા છે. દર્દીઓ માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્હીલચેર મૂકાયા છે. દર્દીઓના મનોરંજન માટે દરેક કોવિડ વોર્ડમાં ટી. વી. મૂકવામાં આવ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે.પી મોદી આ અનોખી પહેલ વિશે કહે છે કે,કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ પ્રમાણે વયોવૃધ્ધ દર્દીઓને ખાસ પ્રકારની સારસંભાળ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા સૂચન કરવામાં આવ્યુ છે.જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ દ્વારા દેશનો સૌપ્રથમ જીરીયાટ્રીક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.કોરોનાના કારણે વયોવૃદ્ધ માં મૃત્યુદર વધુ જોવા મળે છે જેના પર કાબૂ મેળવી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ૨૦ ટકા પ્રમાણ વયોવૃદ્ધ દર્દીઓ જોવા મળ્યું છે આજે કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર લઈ લઈ રહેલા 375 દર્દીઓમાંથી 48 દર્દીઓને જીરીયાટ્રીક વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ૬૦ દર્દીઓને આ વોર્ડમાં સારવાર આપી શકવાની ક્ષમતા છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ વધુ વોર્ડ ઉભા કરવાનું પણ અમારુ આયોજન છે. જીરીયાટ્રીક વોર્ડમાં વયસ્ક દર્દીઓને વધુ સારી અને ત્વરીત સારવાર મળી રહેશે અને વયસ્ક દર્દીઓનો મૃત્યુદર ઘટશે તેમ ડૉ. મોદીએ ઉમેર્યુ હતું.