અમરેલીઃ કોરોનાની કપરી મહામારી વચ્ચે પણ લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાતાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મજૂરી - વ્યવસાય અર્થે વસવાટ કરતા પરપ્રાંતીય લોકોને તેમના માદરે વતન પહોંચાડવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે અમરેલીથી સૌપ્રથમ તમામ પરપ્રાંતીય લોકોની બસ ધોળા જંકશન પર પહોંચાડવામાં આવી હતી.
"આ અબ લોટ ચલે" અમરેલીમાં ફસાયેલા 1200 શ્રમિકો વતન જવા રવાના
લોકડાઉનને કારણે વિવિધ રાજ્યોમાં ફસાયેલા શ્રમિકોને પોતાના વતન તરફ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લામાં ફસાયેલા 1242 શ્રમિકો ટ્રેન મારફતે પોતાના વતન જવા રવાના કરવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ ધોળા જંકશનથી ઉત્તર પ્રદેશના આશરે 1242 લોકોને લઈ અમરેલીથી સ્પેશિયલ ટ્રેન ઉપડી લખનઉ મુકામે પહોંચી હતી. અમરેલી વહીવટીતંત્ર દ્વારા રેલ્વે સ્ટેશન પર તમામ મુસાફરો માટે પાણી તેમજ નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા પણ રેલવે સ્ટેશન પર સતત એનાઉન્સમેન્ટના માધ્યમથી કોરોના પ્રત્યે જાગૃતલક્ષી સૂચનો આપવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી હતી.
કોરોના મહામારીના કપરા સમયમાં આખરે ઘરે પહોંચવાની વાટ સાથે અમરેલીના પરપ્રાંતીય લોકોએ પણ આજે નિરાંતનો શ્વાસ લીધો હતો.