પોલીસની ઓળખ આપી વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1.17 કરોડ ખંખેર્યા અમદાવાદ:અમદાવાદ શહેરના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની હતી, જેમાં જાણીતી કંપનીના ડાયરેક્ટર 68 વર્ષીય વેપારીને થોડાક દિવસો પહેલા અજાણી યુવતીએ મેસેજ કરી મિત્રતા કરી વેપારીને વિડીયો કોલ કરીને કપડાં કઢાવ્યા હતા. જે બાદથી જ વેપારીને અજાણ્યા નંબરો પરથી ફોન કરીને અલગ અલગ એજન્સીઓના અધિકારીઓ તરીકેની ઓળખ આપી ટુકડે ટુકડે કરોડો રૂપિયા પડાવવામાં આવતા સમગ્ર મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો.
80 લાખ 77 હજાર રૂપિયા પડાવ્યા:શરૂઆતમાં વેપારીને બ્લેકમેલ કરીને રેકોર્ડિંગ ક્લિપ મોકલી 50,000 રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જે બાદ દિલ્હીથી પોલીસ ઇન્સ્પેક્ટર ગુડ્ડુ શર્માના નામે ફોન કરી 3 લાખ પડાવ્યા હતા. જે પછી સાયબર ક્રાઇમ દિલ્હીથી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી તરીકે વાત કરતા હોવાનું કહીને રિયા શર્મા નામની છોકરીએ સુસાઇડ કરવાની કોશિશ કરી છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અને આત્મહત્યાનું કારણ તમારું નામ જણાવી રહ્યું છે તેવું કહીને કેસમાંથી બચવું હોય તો પૈસા આપવા પડશે તેવું કહીને હોસ્પિટલનો ખર્ચ, ડોક્ટરનો ખર્ચ, અને તમામ ખર્ચ મળીને 80 લાખ 77 હજાર રૂપિયા પડાવ્યા હતા.
ધમકી આપીને લગાવ્યો ચૂનો:જે બાદ ફરીવાર વેપારીને CBI ઓફિસર સંદિપ શર્મા બોલતા હોવાનું જણાવીને રિયા શર્મા સાથેની વીડિયો ક્લિપ અમારી પાસે આવી છે, અને આના કારણે તેણે સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો હોય પરિવારજનો ફરિયાદ કરવા માંગે છ તેવું કહીને પતાવટના નામે 18,50,000 પડાવ્યા હતા. જે બાદ ફરીથી CBI માંથી વિક્રમ ગોસ્વામી બોલતા હોવાનું જણાવીને સંદીપ શર્મા કરીને જે વ્યક્તિએ ફરિયાદનો નિકાલ કરવા માટે પૈસા લીધા છે તે ફ્રોડ છે. તેવું કહીને વેપારીને ડરાવી ધમકાવીને ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરીશું તે પ્રકારની ધમકીઓ આપીને 29,35,000 પડાવ્યા હતા.
આ પણ વાંચોNews And views Honeytrap: હની ટ્રેપની જાળમાં ફસાવવું ન હોય તો આટલી તકેદારી રાખજો
હનીટ્રેપની મોડસ ઓપરેંડી:થોડાક દિવસો પછી ફરી એક વખત અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જયપુરથી 12 માણસોની પોલીસની ટીમ ધરપકડ કરવા માટે નીકળી ચૂકી છે, તેવું કહીને ડરાવી ધમકાવીને ધરપકડ ન કરવી હોય તો પૈસા આપવા પડશે તેવું કહીને 19 લાખ 70 હજાર રૂપિયા પડાવ્યા હતા. જે બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન મીણા બોલતા હોવાનું જણાવીને કેસ પૂરો થયો નથી અને તે સંદર્ભની તપાસ પોતાની પાસે છે અને પોતાને સમાધાનના પૈસા મળ્યા નથી તેવું કહીને 1 કરોડ 15 લાખ રૂપિયાની માંગણી કરતા વેપારીએ એક કરોડ 15 લાખ રૂપિયા ચુકવ્યા હતા. જે બાદ આરોપીઓએ તેઓનો વિડીયો ડીલીટ કરાવી દીધો છે તેવું કહીને કુટુંબીજનોની ફરિયાદ કોર્ટમાં જઈ મેજિસ્ટ્રેટ રૂબરૂ કરાવવી પડશે અને તેની પ્રોસિજર માટે 50 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેવું કહેતા વેપારીએ 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને જે બાદ 13 ડિસેમ્બર 2022 ના રોજ વેપારીને દિલ્હી પોલીસના DIG તાહીર બોલું છું તેવું કહીને તેઓની ફરિયાદ તેમને મળી છે તેવું કહીને ટુકડે ટુકડે પૈસા પડાવવામાં આવ્યા હતા. આ જ પ્રકારે વેપારી પાસેથી 2 કરોડ 69 લાખ 32 હજાર જેટલી મોટી રકમ આરોપીઓએ પડાવી લીધા હતા. જે બાદ ફરિયાદીને વ્હોટ્સએપ પર દિલ્હી હાઇકોર્ટના લેટેરપેડ પર કોર્ટ નોટીસ લખી જસ્ટિસ જગદીશ સતિષચંદ્ર શર્માના નામની સહી કરી હતી અને કેસ બંધ કરવામાં આવે છે તેવું લખાણ લખ્યું હતું. જોકે કોર્ટનો ઓર્ડર હાથથી લખેલો હોવાથી વેપારીને શંકા ગઈ હતી. અંતે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોBeware of usurers: વ્યાજખોરના ચક્કરમાંથી બચવા શું કરવું જોઈએ?
સાયબર ક્રાઇમએ વધુ તપાસ શરૂ:આ મામલે સાયબર ક્રાઇમએ ટેકનિકલ એનાલિસિસના આધારે રાજસ્થાનમાં ભરતપુરમાંથી આ ગુનામાં સામેલ એક આરોપી જેણે પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન મીણા તેમજ ગુજરાત પોલીસના રોહિતકુમાર તરીકેની ઓળખ આપીને 1.17 કરોડ રૂપિયા પડાવ્યા હતા. તે આરોપી તાલીમ તાહિરખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. આરોપીએ અલગ અલગ રાજ્યોમાં ઘણા નાગરિકોને આ પ્રકારે ઠગાઈ આચરી હોવાનું તપાસમાં ખુલતાં સાયબર ક્રાઇમએ વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે અમદાવાદ સાઇબર ક્રાઇમના એસીપી જીતેન્દ્રકુમાર યાદવ એ જણાવ્યું હતું કે આરોપીઓએ આ મોડસ ઓપરેન્ડી અપનાવી વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા અને પકડાયેલો આરોપી માત્ર ધોરણ 11 સુધી અભ્યાસ કરેલો છે. તેણે આ રીતે અન્ય વેપારીઓને પણ હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવ્યા છે. અમદાવાદના ફરિયાદી પાસેથી તેમણે 1.17 કરોડ રૂપિયા લીધા હતા. હાલ આ ગેંગના અન્ય આરોપીઓની શોધખોળ સાયબર ક્રાઇમએ હાથ ધરી છે.