અમદાવાદ:યોગ નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર ડો. મહેબૂબ કુરેશીની રેફરી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ અંગે યોગગુરૂ ડો.મહેબૂબ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધા 30 જુલાઈના રોજ મુંબઈમાં યોજાવા જઈ રહી છે. યોગ ચેમ્પિયનશિપનું આયોજન યોગ એલાયન્સ ઈન્ટરનેશનલ અને યોગા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. મને ખૂબ જ આનંદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું મહત્ત્વ અને ઓળખ મળી છે અને તેથી જ ભારતમાં આ વર્ષે સૌથી મોટી યોગ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે.
'રેફરી તરીકે મારી પસંદગી થઈ છે. તે ગુજરાત માટે વધુ એક ગૌરવની વાત છે. આ સ્પર્ધામાં ભારત સહિત વિશ્વના લગભગ 25 દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં વિવિધ દેશોના 100 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. સંસ્થાના સચિવ ડો.શિવમ મિશ્રા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ વુ હોંગ યિન અને વિવિધ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. સમગ્ર આયોજનમાં યોગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું કે ફાઉન્ડેશનનું મિશન યોગ સંબંધિત વિવિધ કાર્યક્રમોને વિશ્વમાં ફેલાવવાનું છે. જેમાં મિસ યોગા ક્વીન, લિજેન્ડ યોગા જેવી સ્પર્ધાઓ કરવા અત્યાર સુધી પ્રયાસો કરવામાં આવ્યા છે.' -ડો. મહેબૂબ કુરેશી, યોગ નિષ્ણાત