અખાત્રીજના શુભદિવસે ભગવાન જગન્નાથના રથનું પૂજન, લૉકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રસ્ટી અને મહંત દ્વારા કરવામાં આવ્યું પૂજન
વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા જેને અખાત્રીજનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા યોજાતી ચંદન યાત્રા કરવામાં આવે છે. આ સાથે ભગવાનના રથનું વિધિવિધાન મુજબ પૂજન કરવામાં આવે છે. હાલ લૉકડાઉનની સ્થિતિ હોવાથી પૂજન પણ માત્ર ત્રણ જ વ્યક્તિની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. મહામારી કોરોના વાઈરસને કારણે પહેલીવાર મંદિર સંચાલક અને આયોજકો અને ભક્તોને આ ચંદન યાત્રામાં હાજરી આપવા દેવામાં આવશે નહીં, તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ: અખાત્રીજના દિવસે ચંદન યાત્રાને આગામી રથયાત્રાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે. જેનું મહત્વ છે કે, અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ પાસે વિશ્વકર્મા આવીને તેમની નગરચર્યા માટે રથ બનાવવાની મંજૂરી માગે છે. એ જ પવિત્ર દિવસે વિધિવત્ પૂજન, અર્ચન બાદ રથનું સમારકામ કરવામાં આવે છે. ભગવાનનાં ત્રણેય રથને ભવ્ય શણગારવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે. કોરોના વાયરસની મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે ભગવાનના ત્રણેય રથના સમારકામનો પ્રારંભ પણ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.