અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 750 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતું મોટેરા સ્ટેડિયમ બનાવવાની શરૂઆત માર્ચ 2017થી કરવામાં આવી હતી. આ સ્ટેડિયમ 80,000 લોકોની ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમકરતા પણ મોટું છે.
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આગામી 6 મહિનામાં થશે તૈયાર આ સ્ટેડિયમમાં સૌથી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં 75 જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. ખેલાડીઓ, એમ્પાયર્સ અને મીડિયા માટે પણ અલગ બોક્સ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અહીં ભવ્ય ક્લબ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક પ્રકારની સુવિધાઓ ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે ઉપલબ્ધ રહેશે.5,000ગાડીઓ અને 12,000સ્કૂટર પાર્ક કરી શકાય તેવી ક્ષમતા ધરાવતાં ભારતના સૌથી પહેલા સ્ટેડિયમમાંએક પણ પોલ (થાંભલા) નથી. જેથી પ્રેક્ષકો આરામથી કોઈ પરેશાની વિના ગ્રાઉન્ડની ચારેય તરફ જોઈ શકશે. તેમજ અત્યાધુનિક લાઈટ અને સાઉન્ડની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.
ગુજરાત ક્રિકેટ એસોસીએશનના વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નાથવાણીએ આ અંગે Etv Bharatસાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, આ સ્ટેડિયમ દરેક ગુજરાતીઓ માટે ગર્વ સમાન છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા આ સ્ટેડિયમમાં રમવું એ દરેક ખેલાડી માટે ડ્રીમ બની રહેશે.આગામી છ મહિનામાં આ સ્ટેડિયમ તૈયાર થઇ જશે અને એક ટ્રાયલ મેચ રમાડવાનું પણ અમે પ્લાનિંગ કરીશું.અતિ ભવ્ય રીતે સ્ટેડિયમનું ઓપનિંગ થશે. હવે માત્ર 20 ટકા કામ જ બાકી છે. જેમાં ક્રિકેટના પીચનું કામ પૂર્ણ થયા બાદ વિશ્વને સર્વશ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ મળશે.
વિશ્વની સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતા ક્રિકેટ સ્ટેડિયમની જાહેરાત થઇ ત્યારથી જ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ આ ભવ્ય સ્ટેડિયમમાં મેચ નિહાળવાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે આગામી છ મહિનામાં આ સ્ટેડિયમ તૈયાર થશે. ગુજરાતનું ગર્વ તથા ભારત અને વિશ્વમાં ક્રિકેટની શાન બનશે અમદાવાદનું આ સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ.