અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે બ્રેઈન ટ્યુમર અને લકવાથી પીડાતા રાજસ્થાન પાલીના વતની માંગીલાલ પુરોહિત આશરે 380 કીમીની પ્રવાસ કર્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા સારવાર દરમિયાન તેમના મગજમાંથી કેન્સરની 140 ઘન સે.મી.ની ગાંઠ કાઢવામાં આવી હતી. સોમવારે ફરીવાર આ દર્દી પોતાના પગ પર ચાલી શક્યા છે. આ અગાઉ દર્દી જાતે પાણી પણ લઈ શકતા ન હતા. અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે માંગીલાલ પુરોહિત આવ્યા ત્યારે તેમની હાલત એવી હતી કે, તેમને તેમના સંબંધીઓ દ્વારા ચમચી થકી પાણી પીવડાવવું પડતું હતું, પરંતુ સિવિલ હોસ્પિટલની સારવારને બાદ તેઓ પોતાના પગ પર ઉભા થઇને જાતે ચાલી શકે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે દર્દીના મગજમાંથી કેન્સરની 140 ઘન CMની ગાંઠ કાઢી કેન્સર હોસ્પિટલના ન્યુરો-ઓન્કો વિભાગના ડૉ. પરેશ મોદી જણાવ્યુ હતું કે, માંગીલાલને થર્ડ સ્ટેજનું એસ્ટ્રોસીટોમાંનું પ્રાથમિક સ્તરના બ્રેઇન ટ્યૂમરની સમસ્યા હતી. જે સૌથી ગંભીર ટ્યૂમરની શ્રેણીમાં આવે છે. તેમને લકવાની પણ અસર સાથે ખેંચ પણ આવતી હતી. આવી પરિસ્થિતિમાં ત્વરિત કેનિયોટોમી સર્જરી કરીને મગજમાંથી 140 ઘન સે.મી.ની ગાંઠ કાઢવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન દર્દીને અન્ય આડઅસરો થવાની સંભાવનાઓ રહેલી હોય છે, તે તમામ બાબતોનું ધ્યાન રાખીને ખૂબ જ સતર્કતા દાખવીને માંગીલાલના બ્રેઇન ટ્યૂમરની ગાંઠ સર્જરી કરીને કાઢવામાં આવી હતી.
રાજસ્થાનના પાલી જિલ્લાના વતની માંગીલાલ પુરોહિતને બ્રેઇન ટ્યુમર થયું હતુ. તેઓએ રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા બાદ સારવાર માટે શ્રેષ્ઠ હોસ્પિટલની શોધમાં હતા. છેલ્લે જોધપુર ગયા હતા. એક તબીબે તેમને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં તમારી શ્રેષ્ઠ સારવારની સલાહ આપી. આ જાણીને માંગીલાલ લોકડાઉનની વચ્ચે જ્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પણ જવું ખૂબ જ મૂશ્કેલ બની હતુ, ત્યારે માંગીલાલના સંબંધી રઘુવીરસિંગ રાજસ્થાનથી ગુજરાત સારવાર માટે આવવાની પરવાનગી રાજ્ય સરકારે આપી હતી. જે બાદ રઘુવીર સિંહ માંગીલાલને અમદાવાદની કેન્સર હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.
આ તમામ તકલીફોથી સાજા થઈને માંગીલાલ જણાવ્યું હતું કે, કોરોનાની વિશ્વવ્યાપી મહામારીની પરિસ્થિતિમાં જ્યારે લોકો એક બીજાની પાસે જવાનું ટાળે છે. જ્યારે ખાનગીમાં ક્યાંય પણ સારવાર ઉપલબ્ધ ન હતી અને રાજસ્થાનમાં મારી સર્જરીના રૂ. 5થી 7 લાખના માતબર ખર્ચ થાય તેમ હતું. મારી એવી પરિસ્થિતિ નથી કે, હું આ ખર્ચો ઉઠાવી શકું. જ્યારે સારવારનો આટલો મોટો ખર્ચો સાંભળ્યો તો મારી પર તો જાણે આંભ તૂટી પડ્યું હતુ. અમદાવાદની કેન્સર હોસ્પિટલે મારી સારવારને લીધે ચિંતામુક્ત થયો છું. હું સારવાર લીધા બાદ ખૂબ જ સ્વસ્થ હોઉ તેમ અનુભવી રહ્યો છું. જે તમામનો શ્રેય કેન્સર હોસ્પિટલના તબીબો અહીંના ડાયરેક્ટર, તમામ સ્ટાફ મિત્રોને જાય છે. કેન્સરના તબીબો મારી માટે દેવદૂત બની મને નવજીવન બક્ષ્યુ છે. આ માટેની લાગણી વ્યક્ત કરતાં માંગીલાલ અને તેમના સગા ભાવવિભોર બની રડી પડ્યા હતા. આ હરખના આંસુ હતા. આ એક પીડામાંથી છૂટકારાના આંસુ હતાં અને આ સાથે એક મોટા આર્થિક બોજમાંથી બચી ગયાનો હરખ હતો.