અમદાવાદ : 10 જૂના દિવસે ભારત સહિત વિશ્વભરના દેશોમાં વિશ્વ નેત્રદાન દિવસ તરીકે ઊજવણી કરવામાં આવે છે. નેત્રહિન લોકોના જીવનમાં અજવાળું પાથરવાના ઉમદા હેતુથી વિશ્વ નેત્રદાન દિવસ અંતર્ગત દ્રષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણ માટેની યોજનાઓ અને કાર્યક્રમો જનસાધારણ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો ખૂબ મહત્ત્વના બની રહે છે.
ચક્ષુદાન એટલે શું અને કોણ કરી શકે? : કોઇ પણ વ્યક્તિ મૃત્યુ બાદ એના ચક્ષુ દાનમાં આપી શકે છે. આ માટે તે જીવન દરમ્યાન ચક્ષુદાન અંગેનો સંકલ્પ કરી શકે છે. કોઇ વ્યક્તિએ જીવન દરમ્યાન સંકલ્પ ન કરેલો હોય તો પણ તેના મૃત્યુ બાદ તેના વાલીવારસો ચક્ષુદાન અંગેનો નિર્ણય લઇ શકે છે.ચક્ષુદાન કરવા માટે જે તે વ્યક્તિ પોતાના રહેઠાણની નજીકના કોઇ પણ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.
ચક્ષુદાન માટે કોઇ વય મર્યાદા છે? : કોઇ પણ ઉંમરની વ્યક્તિ મૃત્યુ બાદ પોતાના ચક્ષુ દાનમાં આપી શકે છે. યુવાન વ્યક્તિઓની કીકીની ગુણવતા ખૂબ જ સારી હોય છે. ત્યારે આવા ચક્ષુઓના દાન બાદ કીકી પ્રત્યારોપણમાં ખૂબ જ સારા પરિણામ મેળવી શકાય છે.
ચક્ષુદાન મૃત્યુ બાદ કેટલા સમયમાં થવું જોઇએ? : વ્યક્તિના મૃત્યુ બાદ જેટલું બને તેટલું વહેલું ચક્ષુદાન થઇ જવું જોઇએ. આનાથી દાનમાં મળેલ ચક્ષુની ગુણવતા જળવાઇ રહે છે અને તેનો મહત્તમ ઉપયોગ કીકી પ્રત્યારોપણમાં થઇ શકે છે. તે હેતુસર મૃત્યુ બાદ 2થી 4 કલાકની અંદર ચક્ષુદાન થઇ જાય તે હિતાવહ છે.
કેવા સંજોગોમાં ચક્ષુદાન ન થઇ શકે?: સામાન્ય રીતે તમામ વ્યક્તિ તેમના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી શકે છે. જોકે ખાસ કિસ્સામાં જેમ કે અકસ્માતમાં આંખોને ઇજા થયેલી હોય કે આંખની કીકીમાં જીવન દરમ્યાન લાગેલ ચેપના કારણે ફૂલું પડી ગયેલું હોય તો તેવા કિસ્સામાં ચક્ષુદાન થઇ શકતું નથી.
ચક્ષુદાન સ્વીકારાય ત્યાં સુધી શું કાળજી રાખવી:મૃત્યુ બાદ વ્યક્તિના આંખના પોપચા બંધ કરીને તેને ભીના રૂમાલ વડે કવર કરીને રાખવા જોઇએ. રૂમમાં પંખો બંધ કરી દેવો. ચક્ષુ સ્વીકારવા માટે ટીમ આવે ત્યાં સુધીમાં દર્દીના મૃત્યુના લગતા તમામ તબીબી રિપોર્ટ એકઠા કરી રાખવા. આ ઉપરાંત દર્દીનું કોઇ પણ પ્રકારનું ઓળખપત્ર સાથે રાખવું જોઇએ.
એક વ્યક્તિના ચક્ષુદાનથી કેટલા વ્યક્તિઓને દ્રષ્ટિ મળે : હાલના સમયમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મેળવાયેલા એક વ્યક્તિના ચક્ષુદાનથી 3થી 4 વ્યક્તિઓને જુદા જુદા પ્રકારે કીકી પ્રત્યારોપણની પદ્ધતિ દ્વારા દ્રષ્ટિવંત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ચક્ષુદાતાની વિગતો હંમેશા ગોપનીય રાખવામાં આવે છે.
- ચક્ષુદાન કરી માનવજાતના કલ્યાણાર્થે તમારૂં યોગદાન આપો
- ચક્ષુદાનથી બે વડિલોના જીવનનું અંધારૂ થયું દુર, જાણો ભૂજનો કિસ્સો
- પોઝિટિવ પોરબંદર: છાયામાં યુવાનનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કર્યું