ગુજરાત

gujarat

ETV Bharat / state

World Cup 2023 : દેશમાં પહેલી આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 42 વર્ષ પહેલા રમાઇ હતી

અમદાવાદમાં હાલ વલ્ડૅ કપ મેચોનો ફિવર છે. અમદાવાદમાં વિશ્વકપ-2023ની મહત્વની પાંચ મેચો મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે.  વલ્ડૅ કપ - 2023ની પ્રથમ મેચથી લઇને તેની ફાયનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. દેશમાં પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 1981માં રમાઇ હતી, જેમાં ઇંગ્લેન્ડ સામે ભારતની હાર થઇ હતી. ભારતની ભૂમિ પર રમાયેલી પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ કોણ રમ્યું હતુ અને કેવી હતી સ્થિતિ તે જાણીએ...

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 11:06 AM IST

અમદાવાદ : ભારત હાલ 2023નો વલ્ડૅકપ જીતવા માટે મોસ્ટ ફેવરિટ મનાય છે. ભારતે 49 વર્ષ પહેલા તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ 13, જુલાઇ - 1974ના રોજ ઇંગ્લેન્ડ સામે રમી હતી. જેમાં ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો. દેશ બહાર રમાયેલી પહેલી વન-ડે આંતરરાષ્ટ્રીય મેચના સાત વર્ષ બાદ પોતાની ભૂમિ પર ભારત પહેલી મેચ 25, નવેમ્બર - 1981ના રોજ અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમી હતી. અહીં પણ ઇતિહાસનું પુનરાવર્તન થયું હતું. દેશની ભૂમિ પર ઇંગ્લેન્ડ સામે જ ભારત પાંચ વિકેટથી હાર્યું હતું. આમ ભારતને તેની પ્રથમ વન-ડે આંતરારષ્ટ્રીય મેચ અને દેશમાં રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં પણ ઇંગ્લેન્ડ સામે હાર મળી હતી.

સરદાર પટેલ સ્ટેડિયમમાં દેશની પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ : ભારતીય ક્રિકેટમાં અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમને દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ યોજવાનું ગૌરવ છે. દેશની ભૂમિ પર સૌ પ્રથમ મર્યાદિત ઓવરની વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ ઇંગ્લેન્ડ સામે 25, નવેમ્બર - 1981ના રોજ રમાઇ હતી. 42 વર્ષ પહેલાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં સુનિલ ગાવાસ્કરે ટીમનું સુકાન સંભાળ્યું હતું. તેમજ ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન ક્લીથ ફ્લેચર હતા. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલી બેટિંગ આપી હતી. દેશમાં રમાયેલી પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. 1975 અને 1979 એમ બે વર્લ્ડ કપ રમેલી ભારતીય ટીમનો પોતાની ધરતી પર જ પ્રથમ મેચમાં ધબડકો થયો હતો.

દેશની ભૂમિ પર રમાયેલી પ્રથમ મેચમાં ભારતનું કેવું હતું પ્રદર્શન : ભારતે ટોસ હારતા, ઇંગ્લેન્ડે બોલિંગ લીધી હતી. આરંભમાં જ તે સમયના વિશ્વના શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન સુનિલ ગાવાસ્કર અને પોતાની પ્રથમ વન-ડે મેચ રમતા કે. શ્રીકાંત શૂન્ય રને આઉટ થયા હતા. ભારત તરફથી દિલીપ વેંગસરકરે સૌથી વધુ 46 રન અને સ્પિન ઓલરાઉન્ડર કિર્તી આઝાદે 30 રન ફટકારીને ભારતનો સ્કોર 156 રને પહોંચાડ્યો હતો. ઇંગ્લીશ ઓલરાઉન્ડર ઈયાન બોથમે 10 ઓવરમાં 20 રન આપી બે વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી માઇક ગેટિગે 47 રન ફટકારીને ઇંગ્લેન્ડની ટીમને વિજય સુધી દોરી ગયો હતો. ઓલરાઉન્ડર ઈયાન બોથમના 25 રન પણ ઇંગ્લેન્ડના વિજયમાં નિર્ણાયક સાબિત થયા હતા. 68 બોલમાં 47 રન ફટકારનાર માઇક ગેટીંગ મેચ ઓફ ધ મેચ જાહેર થયા હતા. હાલ BCCI અધ્યક્ષ અને પૂર્વ ઓલરાઉન્ડ રોજર બિન્નીએ 7.5 ઓવર નાંખી 35 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.

આ મેચ થકી ચાર મહત્વના ખેલાડીઓ વિશ્વ સમક્ષ આવ્યા : 1981માં દેશની ભૂમિ પર રમાયેલી આ પ્રથમ વન-ડે મેચ ભારત હાર્યુ હતું. પણ આ મેચ થકી ક્રિકેટે વિશ્વને ચાર ખેલાડીઓ આપ્યા હતા. આ મેચથી વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યુ કરનાર કે. શ્રીકાંત ત્યાર બાદ તે 1983ની વિશ્વકપ મેચનો શિલ્પી બન્યો હતો અને ત્યાર બાદ દેશની ક્રિકેટ ટીમના સિલેક્ટર પણ રહ્યાં હતા. રણધીરસીંઘ નામના ક્રિકેટરે પણ ભારત તરફથી ડેબ્યુ કર્યું હતું. તો ઇંગ્લીશ ખેલાડીઓ જ્યોફ કૂક અને જેક રિચર્ડે પણ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમથી ડેબ્યુ કર્યુ હતું.

હાલ ભારતનું પ્રદર્શન ગજબનું જોવા મળે છે : દેશની ભૂમિ પર રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારત ભલે હાર્યું. પણ આજે વિશ્વમાં ભારતીય ટીમ વન-ડે ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. આજે અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું અને આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં મોટેરા ખાતે છે, જેનું અમદાવાદને ગૌરવ છે.

  1. Cricket World Cup Top 5 Bowlers : જાણો વર્લ્ડ કપના ઈતિહાસમાં ટોપ 5 બોલર કોણ છે, યાદીમાં એક પણ ભારતીય નથી
  2. Cricket World Cup 2023: જાણો વિશ્વના નંબર 1 બોલર મોહમ્મદ સિરાજના સંઘર્ષની પ્રેરણાદાયી કહાની

ABOUT THE AUTHOR

...view details