દેશભરમાંથી વિક્રેતાઓ આવી પહોંચ્યાં અમદાવાદ : વર્ષ 2003 ના વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા હતા અને ઓસ્ટ્રેલિયાએ ભારતને કારમી હાર આપી હતી ત્યારે ઇતિહાસ ફરીથી ભવિષ્યના રૂપમાં સામે આવ્યો છે. 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. હજુ 48 કલાકની વાર છે તે પહેલા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઇનલનો મિજાજ સામે આવ્યો છે. લોકો ટિકિટ માટે અહીંયા આવી રહ્યા છે. જ્યારે વધુમાં વધુ ટીશર્ટો વેચાય તેને ધ્યાનમાં લઈને સ્ટેડિયમની બહાર હોકર્સ દ્વારા ભારતીય ટીમના પ્લેયર્સની ટીશર્ટોનું વેચાણ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે.
50,000 રૂપિયા કમાવવાનો ટાર્ગેટ: 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ત્યારે 48 કલાક પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચનો માહોલ જોવા મળ્યો હતો. સ્ટેડિયમની બહાર અનેક જગ્યાથી ટીશર્ટો વેચવા માટે હોકર્સ આવ્યા છે જેમાં મુંબઈથી ટીશર્ટ વેચવા આવેલ 21 વર્ષના રવિ મનોજ કાલેએ ઈટીવી ભારત સાથે વાત કરી હતી.
હું અહીંયા મારા મામા જોડે ટીશર્ટ વેચવા આવ્યો છું અને શરૂઆતના બે દિવસમાં જ ધંધો કરવામાં આવે છે. આમ સ્ટેડિયમની બહાર જ અમે રાત્રિ રોકાણ પણ કરીએ છીએ. જ્યારે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં કુલ 700 જેટલી ટીશર્ટ વેચી છે અને એક લાખ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ફાઇનલ મેચમાં ઓછામાં ઓછા 50 હજાર રૂપિયા જેટલાં કમાણી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 300 જેટલી ટીશર્ટ જોડે લાવ્યો છું...રવિ મનોજ કાલે ( વિક્રેતા )
મેચ હોય તો જ રોજગારી પ્રાપ્ત થાય : મુંબઇથી ટી શર્ટ વેચવા અને રોજગારી મેળવવા આવેલ મહિલા પલકે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું મુંબઈથી આજ સવારે અહીંયા આવી છું. જ્યારે 19 તારીખે ફાઇનલ પૂર્ણ થશે ત્યારે ખબર પડશે કેટલી કમાણી થઈ. હાલમાં 150 થી 200 જેટલી ટીશર્ટ લઈને આવ્યા છીએ. હવે આ મેચ પૂર્ણ થયા પછી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ટૂર છે, t20 રમવા આવશે, તેને ધ્યાનમાં લઈને વિશાખાપટ્ટનમ પણ જઈશું. આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી અમે ટીશર્ટ જ વેચીએ છીએ જ્યાં મેચ હોય ત્યાં જઈને અમે ટીશર્ટ જ વેચાણ કરીએ છીએ.
આ વર્લ્ડ કપમાં કોઈ ખાસ કમાણી થઈ નથી. સ્ટેડિયમની અંદર અમુક નિયમોના કારણે અમારે ધંધો થઈ શક્યો નથી, જેટલા પણ માલ અત્યારે છે તે વધારાનો માલ અમારી જોડે આવ્યો છે. અમુક ખાનગી કંપનીઓ અંદર ટી શર્ટ આપી રહી છે અને અમને વેચવા નથી દેતાં. મેચના દિવસે અમને વેચવા નથી દેતા અને મેચ નથી તો અમારે કોઈ કામ નથી. મેચ ઉપર જ અમે ડીપેન્ડ છીએ અને લગભગ 5000 જેટલા હોકર્સનું ઘર આના ઉપર જ ચાલે છે. કોલકત્તા બેંગ્લોર પાનીપત વિશાખાપટ્ટનમ અને જગ્યાએથી લોકો ટીશર્ટ વેચવા જ આવે છે......પલક (વિક્રેતા)
સ્ટેડિયમની બહાર દેશભરમાંથી ટીશર્ટ વેચવા આવ્યા: 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ રમવા જઈ રહી છે. ત્યારે ફાઇનલ મેચને ધ્યાનમાં લઈને શુક્રવારથી જ સ્ટેડિયમની બહાર એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ટીશર્ટ વેચવા માટે અનેક લોકો અલગ અલગ રાજ્યોમાંથી રોજગારી મેળવવા માટે સ્ટેડિયમની બહાર પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આ તમામ લોકો બે દિવસ અને બે રાત્રે રોકાણ સ્ટેડિયમની બહાર જ કરશે.
- અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા હોટેલ અને હવાઈ ભાડાના ભાવ આસમાને પહોંચ્યા
- વર્લ્ડ કપનો ફીનાલે જોવા રવિવારે અમદાવાદ આવશે પીએમ મોદી, તો ભારતીય વાયુસેના દ્વારા વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એર શોનું આયોજન