- 'આઈ એમ, આઈ વીલ' એટલે કે હું કેન્સર સામે લડી શકવા સક્ષમ છું
- સિવિલ કેન્સર હોસ્પિટલમાં વર્ષે 30 હજાર દર્દીને સારવાર અપાય છે
- 'કેન્સર ચેપી રોગ છે' ગેરમાન્યતા દૂર કરવાની જરૂર
અમદાવાદ: વર્ષ 2021માં “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણીની થીમ “આઇ એમ, આઇ વીલ” એટલે કે હું કેન્સર સામે લડી શકવા સક્ષમ છું, હું કેન્સર સામે લડત આપી તેને મ્હાત આપીશ. વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
સમયસરની સારવારથી કેન્સર પર વિજય મેળવી શકાય
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા કહે છે કે, જ્યારે 4 ફેબ્રુઆરીનો દિવસ “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે તમામ કેન્સરગ્રસ્ત દર્દીઓએ જુસ્સા સાથે કેન્સર સામે મક્કમપણે લડત આપીને કેન્સરને મહાત આપવાની છે. “કેન્સર એટલે કેન્સલ” એ ગેરમાન્યતાઓથી દૂર થઇને કેન્સરની સમયસર નિદાન કરાવીને તેની સારવાર કરાવવી જોઇએ.
કેન્સર એટલે કેન્સલ નહી, ગેરમાન્યતા દૂર કરવાની જરુર
ડૉ. શશાંક પંડ્યા વધુમાં કહે કે, ”કેન્સર” શબ્દ કાને ગૂંજે ત્યારે ઘણાંય દર્દીઓ, પરિવારજનો પડી ભાંગે છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી તેનો સામનો કરવાનો છે. મોટાભાગના દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે જ સારવાર માટે હોસ્પિટલનો સપર્ક સાધતા હોય છે. પરંતુ સમયસર, વહેલા નિદાન અને સારવાર દ્વારા કેન્સર પર વિજય મેળવી શકાય છે. સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 30 હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર મેળવે છે. જેમાં 25થી 30 ટકા રાજ્ય બહારના દર્દીઓનો પણ સમાવેશ થાય છે.