અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે અપાયેલાં લોકડાઉનમાં અમદાવાદનો ખરીદી માટે પ્રખ્યાત C.G રોડ લગભગ બે મહિના બંધ રહ્યો હતો. આ રોડ અને S.G હાઈવે આ બે અમદાવાદના અર્થતંત્રના રિટેલ અને સેવા સેક્ટર માટે ધોરી નસ સમાન છે. પ્રખ્યાત નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડસના શોરૂમ, હોટેલ અને રાત્રી ખાણીપીણી બજાર અહીં આવેલા છે.
અમદાવાદના C.G રોડને મોડલ બનાવવા AMC દ્વારા પ્રોજેક્ટ હાથ ધરાયો આથી જ આ રોડનું મહત્વ પારખીને પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા દ્વારા તેને ખરીદી માટે મોડલ રોડ/સ્ટ્રીટ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. શરૂ શરૂમાં આ પ્રોજેકટનો વિરોધ પણ કરવામાં આવ્યો પરંતુ આંશિક રીતે મોડલ રોડ તૈયાર થતાં C.G રોડ ખીલી ઉઠ્યો હતો. પરંતુ લોકડાઉનના બે મહિના તેની કામગીરી બંધ રહી હતી. અમદાવાદના C.G રોડને મોડલ બનાવવા AMC દ્વારા પ્રોજેક્ટ હાથ ધરાયો જો કે લોકડાઉન-4માં રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે C.G રોડ પર વિકાસના કાર્ય શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં નવા ડિવાઈડર બનાવવા, નવા વીજળીના થાંભલા નાખવા, નવા બસસ્ટેન્ડ ઉભા કરવા અને તેને રંગવા, રસ્તા પર ચાલવા માટે મોડેલ ફૂટપાથ બનાવવી વગેરેનો સમાવેશ થાય છે.
તો પોતાના વતન તરફ પ્રયાણ કરતા મજૂરોને પણ હવે રોજગારી ઉપલબ્ધ થવા માંડી છે. તેમને કામ કરતા જોઈને લોકોને પણ હર્ષ થાય છે. પરંતુ સાઈડ સુપરવાઇઝરે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મોટા ભાગના મજૂરો પોતાના વતન પાછા ફર્યા છે. ત્યારે મજૂરોની તંગી વર્તાઇ રહી છે. અત્યારે ઝારખંડ, મધ્યપ્રદેશના અને જે સ્થાનિય મજૂરો હતા તે જ કાર્ય કરી રહ્યા છે.
લોકડાઉન હોવાના કારણે અહીંયા આર્થિક ગતિવિધિઓ થંભી ગઈ છે. લોકડાઉન-4માં ગુજરાત સરકાર દ્વારા આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા છૂટછાટ આપવામાં આવી છે. તેમ છતાં C.G રોડ પર મોટાભાગની દુકાનો અને વિવિધ બઝારો બંધ જોવા મળે છે.
તો ખરીદવા માટે નાગરિકોની પણ ચહલ-પહલ જોવા મળતી નથી. કેટલાક સમજદાર દુકાનદારો જાણે છે કે, આ સમયમાં અત્યારે એમ પણ નાગરિકો જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત કોઈ પણ ખરીદી કરશે નહીં. તેથી તેઓ કોરોના વાઇરસનું જોખમ ઉઠાવવા તૈયાર નથી.