- પ્રોફેસર સોસાયટી અને નંદ નગરની મહિલાઓ પાલિકાના પ્રમુખને કરી ઉગ્ર રજૂઆત
- છેલ્લા 20 વર્ષથી સોસાયટીના રોડ રસ્તાથી વંચિત મહિલાઓનો રોષ
- છેલ્લા 2.5 વર્ષથી પીવાના દૂષિત આવતા પાણીને લઇને કરી રજૂઆત
અમદાવાદ : ધંધુકામાં વધતા જતાં કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં લઇને દવા છંટકાવ, ફોગિંગ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પ્રોફેસર સોસાયટી 20 વર્ષ પહેલા બની છે. તેમ છતાં આજદિન સુધી ધંધુકા નગરપાલિકા દ્વારા રોડ રસ્તાની સુવિધા આપવામાં આવી નથી. આ સોસાયટીને A ગ્રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે. તેમ છતાં વિકાસના નામે પરિણામ શૂન્ય છે! A ગ્રેડ ઝોન સિવાયની બાકીની સોસાયટીઓમાં રોડ રસ્તાની સુવિધા આપવામાં આવી છે, ત્યારે આ બન્ને સોસાયટીઓને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી શા માટે વંચિત રાખવામાં આવી રહી છે?
આ પણ વાંચો -ધંધુકા SBI બેંકમાં મેનેજર સહિત 9 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે રજૂઆત કરી
આ અંગે રવિવારે આ બન્ને સોસાયટી વિસ્તારની મહિલાઓ તેમજ સ્થાનિકો દ્વારા નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનને રજૂઆત કરીને સોસાયટી વિસ્તારને રોડની સુવિધા આપવા, પીવાનું દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેની જગ્યાએ શુદ્ધ પાણી આપવા માટે નવી પાઈપ લાઈન નાખવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ બન્ને સોસાયટી વિસ્તારની મહિલાઓ સાથે વૉર્ડ નંબર 6ના બે કોર્પોરેટર દક્ષાબેન પાઠક અને જૈમીનભાઈ તથા અન્ય કોર્પોરેટર અમિતભાઈ રાણપુરા અને કમલેશભાઈ પાઠક સહિતના સ્થાનિક લોકોએ આ સોસાયટી વિસ્તારને પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે રજૂઆત કરી હતી.