મહિલાએ પતિ સામે નોંધાવેલી ફરિયાદને ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી છે. કોર્ટે કહ્યું કે, મહિલા ધરેલૂ હિંસા સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કોઈપણ મહિલા તેના પૂર્વ પતિ પાસે નાણાકીય વળતરનો દાવો કરી શકે નહીં.
છુટાછેડા પછી નહીં મળે ભરણપોષણઃ ગુજરાત હાઈકોર્ટ
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે તારણ આપ્યું છે કે, છુટાછેડા થઈ ગયા પછી કોઈપણ મહિલા તેના પૂર્વ પતિ પાસે ભરણપોષણ માગી શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, મહિલા ધરેલૂ હિંસા સંરક્ષણ અધિનિયમ અંતર્ગત મહિલા નાણકીય વળતર માગી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે, ન્યાયમૂર્તિ ઉમેશ ત્રિવેદીએ તાજેતરમાં 27 વર્ષ બાદ પતિ સામે કરેલા ભરણપોષણનો દાવો કરતા કેસને નામંજૂર કરતા આ નિર્ણય આપ્યો છે. અદાલતે જણાવ્યું કે, પત્ની (આ કાયદા અંતર્ગત) ત્યા સુધી જ પીડિતા રહેશે, જ્યાં સુધી છુટાછેડા ન થાય. છુટાછેડા બાદ તે આ કાયદા હેઠળ પીડિતા રહેશે નહીં.
અદાલતમાં ઉર્મિલાબેન પરમારે તેના પૂર્વ પતિ કાનજી પરમાર પાસે નાણાકીય વળતરની માગ કરતી અરજી કરી હતી. તેના પતિ વિરૂદ્ધનો મહિલા ઘરેલૂ હિંસા અધિનિયમની કલમ 19 અને 20 મુજબ અરજી નામંજૂર કરી હતી. આ દંપતિએ 1984માં લગ્ન કર્યા હતા. જે બાદ 1990માં તેમના છુટાછેડા લીધા હતા.