અમદાવાદ:વેજલપુરમાં પતિના ત્રાસથી કંટાળીને વધુ એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં વેજલપુર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પત્નીએ પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતા કંટાળીને જીવન ટુંકાવ્યું હતું. જે મામલે પોલીસે પતિ સામે ફરિયાદ દાખલ કરી છે.
પત્નીનો આપઘાત: અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ પરમારે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓ નારોલ ખાતે આવેલી દોરા બનાવવાની કંપનીમાં નોકરી કરે છે. તેઓની 24 વર્ષીય દીકરી જ્હાનવીના લગ્ન વેજલપુર સિદ્ધિ સોસાયટીમાં રહેતા જય પરમાર સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. તેઓની દીકરીનો પતિ જય પરમાર સાણંદ ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં BAMS ડોક્ટર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે.
દારૂના ત્રાસથી ઝગડા:ફરિયાદીની દીકરીનો પતિ જય દારૂ પીતો હોવાની અને નાની નાની વાતમાં ઝઘડો કરી હેરાન કરતો હોવાનું પિતાને જણાવતા પિતાએ તેને શાંતિથી રહેવા માટે સમજાવી હતી. 18મી માર્ચ 2023ના રોજ જ્હાનવી સાસરીમાંથી પિતામાં ઘરે આવી હતી અને તેના પતિનો ફોન આવતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ 22મી માર્ચ 2023ના રોજ જ્હાનવીનો પતિ જય પરમાર તેને લેવા માટે ઘરે આવ્યો હતો. સાળંગપુર દર્શન કરવા માટે જઈએ છીએ તેવું કહીને બંને જણા સાળંગપુર દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી દર્શન કરીને તેઓ મોડી રાત્રીના સમયે પરત ફરિયાદીના ઘરે આવ્યા હતા.
પતિના ત્રાસથી આપઘાત:બીજા દિવસે જ્હાનવીએ પિતાને જણાવ્યું હતું કે સાળંગપુર દર્શન કરવા માટે જતા હતા, તે સમયે સસરાએ ફોન કરીને જય દારૂ બહુ પીવે છે તો તેને બાધા લેવડાવજે તેમ કહેતા જ્હાનવીને ખોટું લાગતાં તેણે સસરાને દીકરાને દારૂ પીવાનું બંધ કરાવી શકતા નથી અને પોતાને કહે છે તેવો જવાબ આપતા રસ્તા વચ્ચે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બીજા દિવસે સવારના સમયે ફરિયાદીને તેઓના દીકરાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે જ્હાનવી રૂમમાં દરવાજો ખોલતી ન હોય અને કોઈ પણ જવાબ આપતી નથી. જેથી તેઓએ દરવાજો તોડી નાખવાનું કહીને ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમની દીકરીએ આપઘાત કરી લીધો હતો.