વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી અગાઉ પણ રાજ્યસભાની બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના 14 ધારાસભ્યોએ પક્ષ સાથે બગાવત કરી હતી. ત્યારે ફરી એક વાર લોકસભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસને તે જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એક બાદ એક ધારાસભ્યો પક્ષને અલવિદા કહી રહ્યા છે. સૌ પ્રથમ કોંગ્રેસના દિગગજ નેતા કુંવરજી બાવળીયા ત્યારબાદ આશા પટેલ, જવાહર ચાવડા, પરષોત્તમ સાબરીયા, વલ્લભ ધારવિયા સહિત 5 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચુક્યા છે, તો 2 ધારાસભ્યોના પદ વિધાનસભા અધ્યક્ષ દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે. જે અંગેનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં કોંગ્રેસ છોડનાર અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવા કોંગ્રેસ મથામણ કરી રહી છે. તો સાથે અલ્પેશના 2 સાથીદારના ધારાસભ્ય પદ રદ્દ કરવા વિચારણા કરી રહી છે. આમ, કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા હાલ 70 છે, જે હજુ પણ ઘટી શકે છે.
કોંગ્રેસના નેતાઓ કેમ પક્ષ પલટો કરી રહ્યાં છે.. શું ભાજપ તેમને લાલચ આપે છે? - Congress
અમદાવાદઃ વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો 77 બેઠક ઉપર વિજય થયો હતો અને કોંગ્રેસ એક મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. પરંતુ વિધાનસભાની ચૂંટણીના દોઢ વરસના સમય ગાળાની અંદર કોંગ્રેસના ધારાસભ્યની સંખ્યા 77 થી 70 પહોંચી ગઈ છે અને એક બાદ એક ધારાસભ્ય કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. હજુ પણ કેટલાક ધારાસભ્યો પક્ષમાં નારાજ ચાલી રહ્યા છે.
બીજી તરફ હાલના રાજ્યસભા સાંસદ અમિત શાહ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને જો તેઓ જીતશે તો રાજ્યસભાની એક સીટ ઉપર ફરી ચૂંટણી થઈ શકે છે. તેના સમીકરણો પણ ભાજપ ધ્યાને રાખીને કોંગ્રેસના વધુ ધારાસભ્યો પણ તોડી શકે છે. કોંગ્રેસ ફરી એકવાર ઊંઘતું ઝડપાય તો નવાઈ નહી. એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે, જેને લઈ પ્રદેશ નેતૃત્વની પણ ભારે આલોચના થઈ રહી છે. કોંગ્રેસના જ કાર્યકર્તાઓ અને નેતાઓ બળવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. અમિત ચાવડા સહિત નેતાગીરીને તેમના ઉપર થોપી દેવામાં આવી હોય તેવું અનુભવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખને પદ ઉપરથી ઉતારવા માટે તેઓ બળવો પણ કરી શકે છે. અગાઉ પણ પક્ષ છોડી ગયેલા નેતાઓએ પ્રદેશ નેતાગીરી સામે પોતાની નારાજગી દર્શાવી હતી.
ધારાસભ્યોના પક્ષ પલટા અંગે કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ કોંગ્રેસના નેતાઓને સત્તાનો પાવર બતાવીને લોભ લાલચ પૈસાના જોરે પક્ષ પલટો કરાવી રહી છે. અમારા નેતાઓને કેબિનેટ કક્ષાના મંત્રીઓ બનાવ્યા. અમુક ધારાસભ્યોને ધાક ધમકી આપી ડરાવીને પક્ષ બદલવા મજબૂર કર્યા, જે લાલચુ હતા. 4 થી 5 લોકોએ પક્ષ પલટો કરી લીધો, હવે બાકીના નેતાઓ કોંગ્રેસ પક્ષ સાથે અડીખમ ઉભા છે.