અમદાવાદ:હાર્દિક પટેલે ત્રણ ભાષામાં પત્ર લખીને કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું (Hardik Patel Resign Congress )આપીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. હાર્દિક પટેલના કોંગ્રેસમાં આવ્યા પછી કોંગ્રેસના જ કેટલાક સીનીયર નેતાઓમાં નારાજગી હતી. એવી જ રીતે હાર્દિક પટેલ ભાજપમાં આવશે તો ભાજપના જ પાટીદાર નેતાઓ નારાજ થશે, તે વાત ચોક્કસ છે.
2017માં કોંગ્રેસની બેઠક વધી હતી -2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં(Gujarat Congress)જોડાયા હતા. તેમની પાસે એવો કોઈ ચૂંટણી લડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો કોઈ અનુભવ હતો નહી. રાજકીય પક્ષમાં જોડાયા પછી તેમની પહેલી ચૂંટણી હતી. પણ પાટીદાર અનામત આંદોલનને કારણે તેઓ વધુ લાઈમલાઈટમાં આવ્યા હતા, જેથી કેટલાક પાટીદારોએ હાર્દિકની (Hardik Patel)વાત માનીને કોંગ્રેસ તરફી મત આપ્યા હતા. જો કે હાર્દિકના આવવાથી કોંગ્રેસને કોઈ એવો દેખીતો ફાયદો થયો ન હતો. હા હાર્દિક, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટીએ કોંગ્રેસની બેઠકમાં વધારો કર્યો હતો.
આનંદીબહેન પટેલને સીએમની ખુરશી છોડવી પડી -હવે જ્યારે 2022ના ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)આવી રહી છે, તે પહેલા હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. જો કે હાર્દિકના ભાજપમાં આવવાથી અનેક પાટીદાર નેતા નારાજ થશે. સૌપ્રથમ તો હાર્દિક પટેલે જ્યારે પાટીદાર અનામત આંદોલન છેડ્યું હતું ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ હતા. ત્યારે તેમણે આ આંદોલનને કારણે જ સીએમ પદ છોડવું પડ્યું હતું. અને ભાજપના નેતાઓને હાર્દિક પટેલ અત્યાર સુધી જનરલ ડાયર કહેતા હતા. આ હાર્દિક પટેલ પ્રત્યે ભાજપને કેમ પ્રેમ ઉભરાયો છે? તે ખબર નથી પડતી.
આ પણ વાંચોઃહાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"
પાટીદારો ભાજપની મતબેંક છે -વર્ષોથી પાટીદારો ભાજપ તરફી રહ્યા છે. અને પાટીદાર અનામત આંદોલન પછી ભાગલા પડ્યા પણ તમામ પાટીદારો પાછા ભાજપમાં આવી ગયા છે. પણ હાર્દિક પટેલ જ એક એવા નેતા હતા કે તે કોંગ્રેસમાં ગયા હતા. જેથી પાટીદાર અગ્રણી નેતાઓ હાર્દિકથી નારાજ હતા. અને હવે જ્યારે હાર્દિક કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તો આવા પાટીદાર નેતાઓ નારાજ થશે.
હાર્દિક પટેલ વિરમગામ બેઠક પર ચૂંટણી લડશે -હાર્દિક પટેલ સામેના કેસ પરત ખેંચવા માટે ગુજરાત સરકાર સંમત થઈ છે. અને પાટીદાર સામે કુણુ વલણ દાખવ્યું છે. જેથી હવે હાર્દિક પાસે માત્ર એક જ ઓપ્શન છે કે તે ભાજપમાં જોડાઈ જાય. અને વિરમગામ બેઠક પરથી 2022ની વિધાનસભાની ચૂંટણી લડે.
વિરમગામ બેઠક કોંગ્રેસનો ગઢ -2017માં વિરમગામ બેઠક પરથી ભાજપના તેજશ્રીબહેન પટેલ સામે કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ જીતી ગયા હતા. વિરમગામ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. વિકાસમાં હજી પણ પાછળ છે. આ એ જ વિરમગામના હાર્દિક પટેલ જો ભાજપમાં જોડાય તો ભાજપ વિરમગામ બેઠકની ટિકિટ તેમને આપે અને કોંગ્રેસની બેઠક છીનવી લે તેવું બને. અને હાર્દિક જીતે તો કેબિનટપ્રધાન પણ બની શકે છે. જો કે આ બધુ જો અને તો પર છે.
હાર્દિક પટેલથી પાટીદાર નેતાઓ નારાજ છે -હાર્દિક પટેલના ભાજપમાં આવવાથી ભાજપને કોઈ સીધો ફાયદો થાય તેવું લાગતું નથી, કારણ કે ભાજપ માટે ચૂંટણીનો સૌથી મોટો ચહેરો નરેન્દ્ર મોદી છે. અને પાટીદારો તો વર્ષોથી ભાજપના ચાહક છે અને ભાજપની મતબેંક છે. પાટીદારો સીધી રીતે હવે હાર્દિક પટેલની વાત માને તેવું નથી. પાટીદાર અનામત આંદોલન વખતની વાત જૂદી હતી. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી તેમની લોકપ્રિયતા તેઓ ગુમાવી બેઠા છે. પણ આ તો રાજકારણ છે. ભાજપમાં આવ્યા પછી હાર્દિક પટેલ ફરીથી તેમની લોકપ્રિયતા ઉભી કરી શકે છે.
આ પણ વાંચોઃHardik Patel quits Congress: હાર્દિક પટેલ ભાજપમાં કયા કારણોસર જોડાશે?
હાર્દિકનો સીડી કાંડ બાધારૂપ બને -રાજકીય તજજ્ઞ અને સીનીયર પત્રકાર જયવંતભાઈ પંડ્યાએ ETV Bharatને જણાવ્યું હતું કે હાર્દિક પટેલ સારા વકતા છે અને યુવાનોના ચોક્કસ સમુહમાં તેમની પેઠ છે. તેને લીધે ભાજપને એક સારો યુવા અને પાટીદાર નેતા મળી શકે. પરંતુ તેનો ભુતકાળ ભાજપ વિરોધી અને ભાજપના નેતાઓ વિરોધી રહ્યો છે. અને તેનો સીડી કાંડએ બાધારૂપ થઈ શકે. ભાજપને આ મુદ્દે બચાવ કરવો ભારે પડી શકે તેમ છે. ખાસ કરીને ભુતકાળમાં સીડી કાંડને લીધે ભાજપના નેતા સંજય જોશીને લગભગ રાજકારણ શ્રેત્રે સન્યાસ લેવો પડ્યો હતો, ત્યારે હાર્દિકને સમાવવામાં આવે તો આ બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે. તદઉપરાંત જેવી રીતે રાજીનામા પહેલા જ ભાજપ પ્રવેશની અટકળોને આધારે પાસ સાથે જોડાયેલા ભાજપના પાટીદાર નેતાઓ વરૂણ પટેલ અને ચિરાગ પટેલે વિરોધ નોંધાવવાનો શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપની અંદર આનંદીબહેનનો પણ વિરોધ થઈ શકે છે.
હાર્દિકના આવવાથી કોઈ ઝાઝો ફેર નહી પડે -રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે એક મેસેજ જશે કે અમારા શરણમાં આવવું પડ્યું. આંદોલનકારી નેતાને પણ થશે કે ભાજપ સિવાય વિકલ્પ નથી. હાર્દિકના આવવાથી ભાજપનો કોઈ મોટો ફાયદો થઈ જશે તેવું પણ કાંઈ નથી. રૂટિનમાં આવ્યાતા તેમ આવી જાવ. હાર્દિક ભાજપમાં આવશે તો પાટીદાર નેતાઓમાં પણ નારાજગી રહેશે. દેખીતી રીતે કોઈ ઝાઝો ફેર નહી પડે.