અમદાવાદઃ દેશની સરહદે ચીનની ગંભીર પ્રકારની હરકતો બાદ સમગ્ર દેશ ચીન પ્રત્યે રોષ અનુભવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ આ બાબતે યુવાનોમાં ભારે આક્રોશ છે. ભારત સરકારના પગલાં સાથે મોટાભાગના લોકો સહમત છે. ભારત સરકાર દ્વારા ગઈકાલે 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાંથી ઘણી બધી એપ્લિકેશનનો અત્યારની પેઢીના યુવાઓ ઉપયોગ કરી રહ્યા છે.
આપને જણાવીએ કે, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સેક્શન 69-એ અંતર્ગત સરકારે આ નિર્ણય લીધો છે. ભારત સરકારે પ્રતિબંધિત કરેલી 59 ચાઈનીઝ મોબાઈલ એપ હવે ડાઉનલોડ નહીં કરી શકાય. ભારતના લદ્દાખમાં ચીની સૈન્યની હિંસક અથડામણમાં આપણાં 20 જવાનો વીરગતિને પ્રાપ્ત થયાં હતાં. આ ઘટનાને લઇને દેશભરમાં વ્યાપક પ્રમાણમાં આક્રોશ સહિત ચીન સામે કડક કાર્યવાહીની માગણી ઊઠી હતી. ભારતમાં સૌથી વધુ અબજો રુપિયાનો નિકાસ વેપાર કરતું ચીન આ પ્રકારની હરકત કરે તેને અક્ષમ્ય ગણવાનો જનઅનુરોધ સામે આવ્યો હતો.
ભારતમાં પ્રતિબંધિત કરાયેલી 59 ચાઈનીઝ એપ્સમાં ભારતીયોના મોબાઈલ પર રાજ કરતી ટિકટોક, ઝેન્ડર, વિટેરહેલો, યુસી બ્રાઉઝર કેમ સ્કેનર જેવી એપ્સ પણ સામેલ છે. સાયબર એક્સપર્ટ દ્વારા પહેલાં જ સરકારને ચેતવવામાં આવી હતી કે, અમુક ચાઈનીઝ એપ્સ રાષ્ટ્રની સુરક્ષાની દ્રષ્ટિએ પણે જોખમી હતી. એકલા ટિકટોકની જ માર્કેટ વેલ્યૂ અબજોમાં થાય છે, ત્યારે તમામ એપ્લિકેશનના બંધ થવાથી ચીનને આશરે પાંચથી સાત હજાર કરોડનો આર્થિક ફટકો પડશે.