ગુજરાત

gujarat

ETV Bharat / state

Wetlands Day 2023 : નળ સરોવર ખાતે કરાશે વેટલેન્ડ ડેની ઉજવણી - Wetlands Day 2023 Celebration

સામાન્ય માણસને પ્રશ્ન થાય કે આ વેટલેન્ડ એટલે શું ? 2 ફેબ્રુઆરી 1971ના દિવસે ઈરાનના રામસર શહેરમાં વેટલેન્ડને સંરક્ષિત રાખવાના ઉદ્દેશથી પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી. મહત્વના વેટલેન્ડને સંરક્ષણ અને વિકાસ માટે રામસર સાઈટ જાહેર કરાય છે. ત્યારે આવો વિગતવાર જાણીએ કે આ વેટલેન્ડ ડે એટલે શું ? (Wetlands Day 2023)

Wetlands Day 2023 : નળ સરોવર ખાતે કરાશે વેટલેન્ડ ડેની ઉજવણી
Wetlands Day 2023 : નળ સરોવર ખાતે કરાશે વેટલેન્ડ ડેની ઉજવણી

By

Published : Feb 1, 2023, 9:58 PM IST

અમદાવાદ : વેટલેન્ડ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો વર્ષમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કે બારેમાસ પાણીથી પ્લાવિત રહેતો એવો વિસ્તાર કે જેનું પોતાનું આગવું પરિસરતંત્ર વિકાસ પામ્યું હોય તેને વેટલેન્ડ ડે કહે છે. 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સહિત દુનિયાભરમાં વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવશે. વેટલેન્ડને સંરક્ષિત બનાવી રાખવાનાં ઉદ્દેશ્યથી 2 ફેબ્રુઆરી, 1971ના રોજ ઇરાનના રામસર શહેરમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારથી તેની યાદમાં દર વર્ષે આ દિવસને વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મહત્વના વેટલેન્ડના સંરક્ષણ અને વિકાસ માટે તેને રામસર સાઇટ જાહેર કરવામાં આવે છે.

નળ સરોવર

વેટલેન્ડના સંરક્ષણની જરૂરિયાત :આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની જાળવણી એક પડકાર ઉભો થયો છે. બદલાતા પરિમાણો અને તેને પગલે સર્જાતા પરિણામોથી આજે વેટલેન્ડના અસ્તિત્વ સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. તેથી તેની સુરક્ષા અને સંવર્ધનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. નળ સરોવર અને તેની આસપાસના વિસ્તારમાં પર્યાવરણ સુરક્ષા માટે કાર્યરત માનવ સેવા ટ્રસ્ટ સંસ્થાના મનુ બારોટ કહે છે કે, ભૌતિક સુખ સુવિધાઓ પાછળની ઘેલછા કહો કે આંધળી દોટ કહો, માનવજાત તેના પોતાના અસ્તિત્વ પર જાણે અજાણે સંકટ ઉભો કરી રહ્યો છે. માણસ ભુલી જાય છે કે આ પૃથ્વી પર તેનું સ્વતંત્ર અસ્તિત્વ સંભવ નથી.

વિશ્વ ગ્લોબલ વોર્મિંગ :વધુમાં જણાવ્યું હતું કે, મનુષ્ય સંપૂર્ણ જીવસૃષ્ટિનો એક નાનકડો ભાગ છે અને તેણે બાકીની સજીવસૃષ્ટિ અને કુદરતી તત્વો સાથે સંવાદિતા સાધીને જીવન જીવવાનું છે. સામાન્ય રીતે પર્યાવરણ પ્રેમીઓ વેટલેન્ડ અંગેની માહિતી ધરાવતા હોય છે, પણ આજે જ્યારે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે સામાન્ય માણસ પણ પોતાની આસપાસના પર્યાવરણ, સજીવ સૃષ્ટિ અને પાણીના સ્ત્રોતો જેવા વિષયમાં રસ લેતા થાય તો પૃથ્વી માતાના જતનની આપણી જવાબદારી નિભાવવા સાથે આવનારી પેઢીઓને પણ સુંદર વિશ્વની ભેટ આપણે આપી શકીએ. એટલે જ માનવ સેવા ટ્રસ્ટ પ્રતિ વર્ષ વેટ લેન્ડ ડે’ની અર્થપુર્ણ ઉજવણી કરે છે અને પર્યાવરણ સુરક્ષા સાથે પક્ષીઓની સુરક્ષા માટે પણ જાગૃતિ કાર્યક્રમો યોજે છે.

નળ સરોવરની ઓળખ : જિલ્લા વન સંરક્ષક પી.પુરુષત્તમા કહે છે કે, અમદાવાદથી આશરે 65 કિમી દૂર આવેલું નળ સરોવર દેશનું સૌથી મોટું જળ પક્ષી અભ્યારણ અને છીછરા પાણીનાં સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. નળ સરોવર અંદાજે 120 ચો કિમી જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલો મોટો જળ ભંડાર છે. આ સરોવરની લંબાઈ 32 કિમી તેમજ પહોળાઈ 6.4 કિમી છે. શિયાળાની શરૂઆત સાથે જ વિદેશી પક્ષીઓનું અહીં આગમન શરુ થઈ જાય છે. નળસરોવર અને થોળ તળાવ ખાતે અનુક્રમે પક્ષીઓની 226થી વધુ પ્રજાતિઓ અને માછલીઓની 19 પ્રજાતિઓનો વસવાટ જોવા મળે છે. નળસરોવરને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. વળી મોટી સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓને કારણે આ વેટલેન્ડ પક્ષીપ્રેમીઓના સ્વર્ગ સમાન બની ગયું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય, વન વિભાગ અને ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જળપ્લાવિત દિનની ઉજવણી કરનાર છે. જેમાં ફોટો એક્ઝીબીશન કમ કોમ્પીટીશન, વર્કશોપ યોજાનાર છે.

આ પણ વાંચો :Migratory birds in Porbandar: શિયાળામાં મોકર સાગર વેટલેન્ડમાં યાયાવર પક્ષીઓનો જમાવડો

વેટલેન્ડના ફાયદા :વેટલેન્ડ વિવિધ પ્રકારના જીવો માટે એક આદર્શ રહેઠાણ છે. સૂક્ષ્મ જીવાતોથી લઈને છોડવાઓ, ઉભયજીવીઓ, રેપ્ટાઈલ્સ, માછલીઓ, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માટે જરૂરી પર્યાવરણ પૂરું પાડે છે. જીવો જીવસ્ય ભોજનમ સ્વરૂપે તેમની આહારશૃંખલા જળવાયેલી રહે છે. તાપમાનમાં ઘટાડો થાય, ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન દુનિયાને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે પાણીના મોટા સ્ત્રોતોને કારણે સરેરાશ તાપમાનમાં ઘટાડો થાય છે. પાણીનું સ્તર જળવાય વેટલેન્ડનું સંરક્ષણ કરવામાં આવે તો તેના લીધે ભૂગર્ભ જળનું પ્રમાણ ઊંચું આવે છે, અને પાણીના પ્રશ્નોના નિરાકરણમાં મોટી મદદ મેળવી શકાય છે.

આ પણ વાંચો :પોરબંદરના વેટલેન્ડ પર થયેલા સંશોધન પત્રને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મળ્યું પ્રથમ ઇનામ

પોષકતત્વોની જાળવણી થાય : વેટલેન્ડ પાણીની ગુણવત્તા સુધારવામાં ઘણા મદદરૂપ થાય છે. નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વોની રિસાયક્લિંગ પ્રક્રિયામાં પણ તેઓ અગત્યની ભૂમિકા ભજવે છે. વેટલેન્ડમાં ઉગેલી વનસ્પતિ દ્વારા આવા પોષકતત્વોની શોષી લેવામાં આવે છે, જ્યારે તેમના પર્ણ ખરી પડે, કે તેમનો નાશ થાય ત્યારે આ પોષકતત્વો અન્ય સ્વરૂપે ફરી વાતાવરણમાં પ્રવેશે છે. જળચક્ર અને કાર્બનચક્રનું સંતુલન જળવાય વેટલેન્ડ ફોટોસીન્થેસીસની પ્રક્રિયા દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને તેનું જૈવિક તત્વોમાં રૂપાંતર કરી દે છે. માણસ દ્વારા પેદા કરવામાં આવતા ગ્રીનહાઉસ ગેસની નકારાત્મક અસરો દુર કરવામાં પણ વેટલેન્ડનો અગત્યનો ફાળો છે.

ABOUT THE AUTHOR

...view details