અમદાવાદ: અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. મણિનગરના એલજી હોસ્પિટલ પાસે એક યુવક હાથમાં બંદૂક લઇને જવેલર્સ શો રૂમમાં લૂંટ કરવા જઈ રહ્યો હતો. જો કે જાહેરમાં યુવકને બંદુક સાથે જોઈને સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોંપ્યો હતો. હાલ પોલીસે આ યુવકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
બંદુક સાથે દુકાનમાં પ્રવેશ્યો યુવક: મણીનગર ચાર રસ્તા પાસે આવેલા વૃંદાવન જ્વેલર્સમાં સાંજના સમયે વેપારી દુકાનમાં હાજર હતા. તે સમયે અચાનક એક વ્યક્તિ પોતાના હાથમાં એક બેગ લઈને શોરૂમમાં પ્રવેશે છે અને પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધી પ્રવેશેલો યુવક પોતાની પાસે રહેલા થેલામાંથી બંદુક કાઢી વેપારીની સામે ધરી દે છે. વેપારી ફોન ઉપર વ્યસ્ત હતા અને અચાનક જ યુવકને હથિયાર સાથે શોરૂમમાં પ્રવેશેલો જોઈને તેઓએ પ્રતિકાર કર્યો હતો અને યુવકે શો રૂમમાંથી બહાર નીકળીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
યુવકે હવામાં ફાયરિંગ કર્યું: જોકે વેપારીએ બુમાબુમ કરતા આસપાસ રહેલા લોકોનું ટોળું યુવકને પકડવા માટે દોડ્યું હતું. તે સમયે યુવકે પોતાની પાસે રહેલી બંદુકથી એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. યુવકે હવામાં ફાયરિંગ કરતા જ લોકોનું ટોળું વધુ માત્રામાં એકઠું થયુ હતું અને યુવકને પકડીને પોલીસને જાણ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશન 300 મીટર નજીક જ હોઇ, પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો અને શો રૂમના સીસીટીવી સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે જ્વેલર્સ વેપારીની ફરિયાદ લઈને આરોપી સામે લૂંટના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.