અમદાવાદઃસભ્ય સમાજમાં કોઈ પણ કાયદાની વિરૂદ્ધમાં કાર્ય કરાય તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને તેને જેલમાં મોકલવામાં આવે છે. જેલમાં કેદીને સુધારવાનો પણ પ્રયાસ કરાતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓના સુધારા માટે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જન્મથી ગુનેગાર નથી હોતો તેવો અભિગમ ધરાવી કેદીઓમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરાય છે. સાથે જ જેલમાંથી મુક્ત થઈ બંદીવાન સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે તેવા આશયથી અલગ અલગ પ્રયાસો કરાય છે.
આ પણ વાંચોઃજેલમાં કેદીઓ કૃષ્ણને મળે છે, કેદી બંધુઓ ગૌશાળામાં ગાયોની કરે છે સેવાચાકરી
જેલમાંથી મુક્ત થયા પછી રોજગાર મળે તેવા પ્રયાસઃ સાબરમતી મધ્યસ્થ જેલમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બંદીવાનોની સમાજમાં પુનઃસ્થાપનની તેમ જ માનસ પરિવર્તન હેતુ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમ જ બંદીવાન જેલમાંથી મુક્ત થયા બાદ રોજગાર મળી રહે તે હેતુસર કેટલાક ઉદ્યોગો ચલાવવામાં આવે છે, જેમાં ડાયમંડ ઉદ્યોગ, અંધજન માટે બૂક રેકોર્ડિંગ, મહિલાઓ માટે સેનિટરી નેપકીન તથા સિલાઈ મશીનથી દરજીકામ જેવા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે.
સુધારાત્મક પ્રવૃત્તિઓઃ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા 1 વર્ષમાં કેટલીક સુધારાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેમાં સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે બંદીવાનો અભ્યાસને આગળ ધપાવવા માગે છે. તેમના માટે ધોરણ 10 તથા ધોરણ 12 તેમ જ તેનાથી વધુ અભ્યાસ માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ ઈગનો તરફથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે તેમજ સાબરમતી જેલમાં કાર્યરત બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા બંધીવાનો બીએસસી, બીકોમ અને પીએચડી સુધીની ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને પોતાની શૈક્ષણિક કારકિર્દીને ઝળહળતી બનાવી શકે છે. તો પોતાની 8 વર્ષની જેલયાત્રા દરમિયાન 31 ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને લિમકા બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાનો વિક્રમ પણ સાબરમતી જેલમાં મળ્યો છે.
કેદીઓ માટે વિવિધ કોર્સઃ આઈઆઈટીના માધ્યમથી વિવિધ પ્રકારના તાલીમ પૂરૂષોમાં ચલાવવામાં આવે છે, જેમાં કમ્પ્યુટર, ઈલેક્ટ્રિકલ્સ, બેઝિક વુડવર્ક, સ્પોકન ઈંગલિશ, સિલાઈ મશીન, પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અંતર્ગત ટિવી રિપેરીંગ, બેન્કિંગ, ટેક્નિશિયન બામ્બુમેટ વિયર પીકઅલ મેકિંગ આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિશિયન જેવા તાલીમ કોર્સનો સમાવેશ થયો છે તેમજ હીરો મોટર કોર્પ તથા યુગનું તરફથી મોટરસાઈકલ રિપેરીંગનો કોર્સ પણ ચલાવવામાં આવે છે. વધુમાં જેલ પ્રશાસન દ્વારા વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરી વિવિધ પ્રકારના કાર્યક્રમમાં યોજવામાં આવે છે, જેના થકી કેદીઓ જેલમુક્ત થયા બાદ પણ સ્વરોજગાર મેળવી સમાજમાં પોતાનું પુનઃસ્થાપન સરળતાથી કરી શકે.