વડોદરા : ડભોઈના નાદોદી ભાગોળ પાસે આવેલા કોયલી વાવ વિસ્તારમાં વર્ષ 2020માં રૂપિયા બે લાખની લૂંટ કરવાની સાથે મહિલાની હત્યા કરાયાંની ચકચારી ઘટના બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા રાઝીયા હનીફભાઈ મનસુરીના પરિવારને આરોપીને આજીવન કેદની સજા ફટકારાતાં ન્યાય મળ્યો હતો. આ ઘટનામાં સામેલ આરોપીનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં હત્યાના બનાવમાં સામેલ આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ ડભોઈના બીજા એડીશનલ સેસન્સ કોર્ટના વિદ્ધાન ન્યાયમૂર્તિ એચ.જી.વાઘેલા દ્વારા કરવામાં આવ્યો હતો.
શું બન્યું હતું :આ વિશે જણાવીએ તો ગામ પલવટ તાલુકો ડહી જિલ્લો ધારનો રહેવાસી અને મૂળ ડભોઇ ખાતે મજૂરી કામ અર્થે આવેલા માલુભાઈ વેલસિંગભાઈ કનાસિયા મૃતક મહિલાનાં ઘરમાં એક ઘરના સભ્ય તરીકે રહી મજૂરી કામ કરતો હતો અને મૃતક મહિલાનાં ઘરનાં ઓટલે જ સૂઈ રહીને જીવન ગુજારતો હતો. આ યુવાને આ મહિલાનાં ઘરમાં રહેલાં રૂપિયા બે લાખ લૂંટી લીધાં હતાં અને આ મહિલાને નિર્દયતાપૂર્વક મારી નાખી હતી અને આ યુવાન ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો Vadodara crime news: મહિલાને જીવતી સળગાવી દેવાનાં બનાવમાં પાંચ દોષિતોને આજીવન કેદની સજા
પરિવારે નોંધાવી હતી ફરિયાદ : આ ચકચારી બનાવ અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો કલમ 397 અને 135 મુજબ મૃતક મહિલાનાં પતિએ નોધાવી હતી. જે ફરિયાદનાં આધારે ડભોઈ પોલીસ સ્ટેશનનાં તત્કાલીન પી.આઈ. જે.એમ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસનાં જવાનોએ વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. જેમા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સ, એફ.એસ.એલ. રીપોર્ટ, ડોગ સ્વોડ, પી.એમ.રીપોર્ટના આધારે પોલીસે ટૂંકા ગાળામાં જ ગૂનો ડીટેક્ટ કરી આરોપીને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી રૂપિયા 82,790 કબજે લીધાં હતાં.
કઇ કલમો બેઠળ સજા થઇ : આ સમગ્ર ઘટના સંદર્ભે કેસમાં સંડોવાયેલા આરોપીઓને સમાજમાં ઉદાહરણરૂપ સજા થાય તે માટે સરકારી વકીલ હીરેન ચૌહાણે કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. આ કેસમાં કોર્ટે 15 સાક્ષીઓ અને 39 સંબંધિત પુરાવાઓની તપાસ કરી હતી અને આ પુરાવાઓને ધ્યાનમાં લઈને ન્યાયાધીશે EPCO કલમ 302,397 અને ક્રિ.પ્રો. કોડની કલમ 235(2) હેઠળ, આરોપીને આજીવન કેદની સજા અને રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ દંડ ન ભરે તો છ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. આમ, ડભોઇ સેશન્સ કોર્ટે ગુનામાં સંડોવાયેલા આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજાના પગલે ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો Surat News : સુરતમાં આરોપીને ફાંસીની સજા સહઆરોપીને આજીવન કેદ, બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આવ્યો ચૂકાદો
39 જેટલા પુરાવાઓ રજૂ કરાયાં હતાં :આ સંદર્ભે સરકારી વકીલ એચ.બી. ચૌહાણે જણાવ્યું હતું કે આરોપીએ નિર્દયતાપૂર્વક ખૂન કર્યું હતું અને તે મહિલાના ઘરમાંથી 2 લાખ રુપિયાનીની લૂંટ ચલાવી હતી. જેથી આ બનાવમાં સામેલ આરોપીને સમાજમાં દાખલા રૂપ સજા થાય તે માટે અમે નામદાર કોર્ટમાં જળપૂર્વક દલીલો કરી હતી અને આ કેસમાં કોર્ટ સમક્ષ 15 સાહેદો અને 39 જેટલા સંબંધિત પુરાવાઓ રજૂ કર્યા હતા જે પુરાવાઓને ધ્યાનમાં લઇ નામદાર કોર્ટના વિધવાન ન્યાયમૂર્તિએ આ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.