અમદાવાદઃ આણંદના તારાપુર તાલુકાના ઇન્દ્રાણજ ગામના ખેડૂત મફત મકવાણા અને તેમની પત્ની નાનીબેને હાઈ સ્કૂલ સુધીનું શિક્ષણ પણ મેળવ્યું નથી. આજે તેમના આનંદનો પાર નથી. કારણ કે, તેમની દીકરીએ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ NEETને પાસ કરી લીધી છે અને તે ડૉક્ટર બનવાની તેની મહત્વકાંક્ષાને આંબવા માટે સજ્જ થઈ છે. ગત 12 વર્ષ દરમિયાન વિસામો કિડ્સ ફાઉન્ડેશનનું સમર્થન મેળવીને ઊર્મિલાએ શુક્રવારના રોજ જાહેર થયેલા NEETના પરિણામોમાં SC કેટેગરીમાં 11,383મો ઑલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે.
ઝાયડસ સ્કૂલ ઑફ એક્સિલેન્સ ખાતે તેનું શાળાનું શિક્ષણ મેળવ્યું
ઉર્મિલા મકવાણાએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 75 ટકા અને ધોરણ 10માં 92 ટકા મેળવ્યાં હતાં. આ સાથે જ તેમણેસમગ્ર શાળા શિક્ષણ દરમિયાન સ્કૂલ અને વિસામોમાં વિવિધ ઇત્તર-પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ઊર્મિલાની સિદ્ધીએ ચોક્કસપણે કેલોરેક્સ ગ્રૂપ દ્વારા સંચાલિત વિસામો કિડ્સ ફાઉન્ડેશનને પણ ખૂબ જ સન્માન અપાવ્યું છે. વિસામોના સમર્થન અને સહકારની મદદથી તેણે ધોરણ 10 સુધી ગોધાવીમાં આવેલ ઝાયડસ સ્કૂલ ઑફ એક્સિલેન્સ ખાતે તેનું શાળાનું ભણતર પૂરું કર્યું હતું અને ત્યારબાદ ઉચ્ચત્તર માધ્યમિકનું શિક્ષણ કામેશ્વર સ્કૂલમાંથી મેળવ્યું હતું.
આર્ટ્સ અને હ્યુમેનિટીઝના ક્ષેત્રમાં રસ હતો
ખૂબ જ ઉત્સુક વાચક અને ચિત્રકાર ઊર્મિલા શરૂઆતમાં આર્ટ્સ અને હ્યુમેનિટીઝના ક્ષેત્રમાં આગળ વધવા માંગતી હતી. ઊર્મિલાએ જણાવ્યું હતું કે, ‘મને વાંચવું-લખવું ખૂબ જ ગમે છે અને તે મારા રસના વિષયો હોવાથી હું કળા અને સાહિત્યનું ક્ષેત્ર પસંદ કરવા માંગતી હતી. જો કે, મેં એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપ્યો અને તેમાં મને જાણવા મળ્યું કે, હું મેડિસિનમાં કારકિર્દી બનાવવા માટે વધુ સારી ક્ષમતાઓ ધરાવું છું અને વિસામો ખાતેના મારા કાઉન્સિલરે મને સમજાવી કે મારે એ જ કરવું જોઇએ જેની પર મારી હથોટી હોય.’ ઉલ્લેખનીય છે કે, ઊર્મિલા પટના અથવા જોધપુર ખાતેની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયેન્સિસ (એઇમ્સ)માં એડમિશન મેળવવા માંગે છે.