ગુજરાત

gujarat

ETV Bharat / state

Unseasonal Rain: વરસાદથી લોકોએ તો ઠંડક અનુભવી પણ ખેડૂતોએ રોવાનો વારો આવ્યો, હજી 19મી સુધી આગાહી - Gujarat Meteorological department rain forecast

રાજ્યભરમાં વાતાવરણમાં ફરી એક વાર પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. તો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ ઘણું નુકસાન થયું છે. તો વરસાદના કારણે અન્ય કઈ કઈ હાલાકી પડી રહી છે. તેમ જ ક્યાં કેવી સ્થિતિ છે તે અંગે જોઈએ આ અહેવાલ.

Unseasonal Rain: વરસાદથી લોકોએ તો ઠંડક અનુભવી પણ ખેડૂતોએ રોવાનો વારો આવ્યો, હજી 19મી સુધી આગાહી
Unseasonal Rain: વરસાદથી લોકોએ તો ઠંડક અનુભવી પણ ખેડૂતોએ રોવાનો વારો આવ્યો, હજી 19મી સુધી આગાહી

By

Published : Mar 17, 2023, 5:14 PM IST

ઉમરપાડા તાલુકાની બજારો પાણીપાણી

અમદાવાદઃરાજ્યભરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં લોકોએ રાહતનો અનુભવ કર્યો છે. બીજી તરફ ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ફરી વળ્યા છે. કેટલાક જિલ્લાઓમાં તો કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ સાથે જ ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખીને બેઠા છે.

આ પણ વાંચોઃRain in Bhavnagar: ક્યાંક ચણા જેવા કરા તો ક્યાંક માવઠું, ખેડૂતો ચિંતામાં ચૂર

દક્ષિણ ગુજરાત પર નજરઃ સૌપ્રથમ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો, અહીં સુરતમાં હવામાન વિભાગના આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેના કારણે માંગરોળ, બારડોલી સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. અહીં હજી પણ 19 માર્ચ સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વાપીમાં વરસાદ

હવામાન વિભાગે કરી આગાહીઃહવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના વાતાવરણ પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો હતો. ગત 15 માર્ચે રાત્રિ દરમિયાન સુરત જિલ્લાના માંગરોળ, બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદના કરાં પડ્યા હતા. ત્યારે ભરઉનાળે વરસાદી માહોલ જામતા જાણે વિધિવત્ રીતે ચોમાસું બેસી ગયું હોય તેવો લોકોને અહેસાસ થયો હતો. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી આંશિક છૂટકારો મળ્યો હતો. સાથે જ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી અને રાજકોટમાં 41થી 61 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી હતી.

ભાવનગરમાં વીજળી

ખેડૂતોની મહેનત બગડીઃઆ સાથે જ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ખાસ કરીને ઘઉં, ડાંગર અને કેરીના પાકને વધુ નુકસાન થયું હતું. તો ભારે પવનના કારણે કેરીઓ બધી ખરી ગઈ હતી. એટલે ખેડૂતોએ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે હાલ ખેડૂતો પોતાના પાકને બચાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. તેમ છતાં નુકસાનની ભીતિ સેવાઈ જ રહી છે.

વરસાદ

ઉમરપાડા તાલુકાની બજારો પાણીપાણીઃગતરોજ સૌથી વધુ કમોસમી વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસ્યો હતો. અહીં કેવડી સહિતના ગામોમાં વરસાદી ઝાપટું વરસતા થોડી વારમાં બજારો પાણી પાણી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઉમરપાડા તાલુકો સુરત જિલ્લાનો મિની ચેરાપુંજી તરીકે ઓળખાય છે. અહીંયા ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વરસાદ વરસે છે.

હવે નજર કરીએ સૌરાષ્ટ્ર પરઃઅહીં અમરેલી જિલ્લામાં છેલ્લા 2 અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. તેના કારણે ખેડૂતો પાયમાલીની કગાર પર ઊભા છે. એમાંય ધારીના સુખપુર, કાંગસા, ગોવિંદપુર, દલખાણિયા, મીઠાપુર, ગીગાસણ જેવા ગામોમાં તો કમોસમી વરસાદ ભારે પવન અને કરાં સાથે જ ખાબકે છે. ગુરૂવારે કમોસમી વરસાદના બીજા રાઉન્ડમાં પણ આ વિસ્તારમાં ભારે વરસાદ થયો અને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

ખેડૂતોને સરકાર પાસે આશા

ધારીમાં ખેડૂતોનો પાક ધોવાયોઃ તો ધારી પંથકમાં વરસાદના કારણે પાક ધોવાઈ ગયો છે. આવા સમયે અહીંના ખેડૂત આગેવાનો અને કિસાન સંઘના આગેવાનો ખેડૂતોને યોગ્ય વળતર આપવાની પણ માગ ઊઠાવી રહ્યા છે. તેમ જ ગીર પંથકમાં ફાગણ મહિનામાં જ અષાઢ જેવો વરસાદ વરસતા ચોમાસા જેવું માહોલ સર્જાયો હતો.

પ્રવાસીઓને જોવા મળ્યો અનોખો નજારોઃગિરિમથક સાપુતારા સહિત વઘઈ, આહવા તાલુકા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. સાપુતારામાં વરસાદી હેલી બાદ વરસાદ ધીમે ગતિએ વરસાદ વરસ્યો હતો, જેના કારણે પ્રવાસીઓને નજારો જોવાનો મોકો મળ્યો હતો. ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા સહિત ગ્રામીણ વિસ્તારોમાં અને વન વિસ્તારમાં ભારે વરસાદ તેમ જ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

નયનરમ્ય દ્રશ્યોઃ જોકે, જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી જ રહ્યો છે. તેના કારણે ડાંગના ખેડૂતોએ તૈયાર કરેલા શિયાળુ-ઉનાળુ પાક તથી કેરી પાકને વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અહીં એક તરફ પ્રવાસીઓને નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ખેડૂતો ઉપર ચિંતાના વાદળો છવાઈ ગયા છે. સાપુતારા ખાતે કમોસમી માવઠાની સાથે દિવસ દરમિયાન ગાઢ ધૂમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા વાતાવરણ ખુશનુમા બનવા પામ્યું હતુ.

આ પણ વાંચોઃClimate Change: અઠવાડિયા પછી ફરી પ્રચંડ ગરમી માટે થઈ જજો તૈયાર, જૂનાગઢના હવામાન શાસ્ત્રીની આગાહી

24 કલાકનું તાપમાનઃ છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, સૌથી વધારે 36 ડિગ્રી તાપમાન કચ્છના ભૂજ, રાજકોટ, અમદાવામાં નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું 19 ડિગ્રી તાપમાન અમરેલી અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં નોંધાયું હતું. આ સાથે જ અમદાવાદમાં લઘુતમ તાપમાન 23, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત ભાવનગરમાં મહત્તમ તાપમાન 33 અને લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું.

ABOUT THE AUTHOR

...view details