અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે શિયાળો જામ્યો છે. જો કે ઠંડીની આ ઋતુમાં હવામાન વિભાગે ફરીથી વરસાદની આગાહી કરી છે. પહેલેથી જ માવઠાને લીધે ખેડૂત પાક નુકસાન વેઠી ચૂક્યો છે. જો કે ખેડૂતોને આ વર્ષે કુદરત સાથ ન આપતી હોવાનું જણાય છે. આવનારા દિવસોમાં હવામાન વિભાગે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી કરી છે.
વારંવાર કમોસમી વરસાદઃ આ વર્ષે ચોમાસુ પત્યા બાદ શિયાળાની શરુઆતમાં કમોસમી વરસાદ થયો હતો. હવે શિયાળાની મધ્યમાં પણ આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબ સાગરથી આવતા ભેજવાળા પવનોને લીધે ગુજરાતમાં ફરીથી વરસાદ થઈ શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, જામનગર અને કચ્છમાં વીજળી સાથે વરસાદ થશે. જ્યારે નવસારી અને વલસાડ પંથકમાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં આ વિસ્તારનું તાપમાન પણ નીચુ જઈ શકે છે. આ જિલ્લાઓમાં તાપમાન નીચુ જતા ઠંડીની અસર વધી શકે છે.