અમદાવાદઃ રાજ્યભરમાં આકરી ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે. બપોરના સમયે શહેર જાણે અગનભઠ્ઠી બની રહ્યા હોય એવો અનુભવ થઈ રહ્યો છે. સતત પડી રહેલી ગરમીને કારણે લોકો તોબા પોકારી ગયા હતા. સોમવારે રાજ્યના પાંચ શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું હતું. પરિસ્થિતિને ધ્યાને રાખીને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. અમરેલીમાં સૌથી વધારે તાપમાન 42 ડિગ્રી અને અમદાવાદમાં 41.9 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગર 41.6 અને ગાંધીનગર તથા રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સતત વધી રહેલા તાપમાનને કારણે શહેરના રસ્તાઓ સુમસાન બન્યા હતા.
ક્યા કેટલું તાપમાનઃઅમરેલીમાં 42.0, અમદાવાદ 41.9, ડીસા 38.8, ગાંધીનગર 41.5, વિદ્યાનગર 39.7, વડોદરા 40.2, સુરત 39.5, વલસાડ 37.0, ભુજ 38.0, નલિયા 34.4, કંડલા એરપોર્ટ 40.3, ભાવનગર 39.5, દેવભૂમિ દ્વારકા 32.3, પોરબંદર 32.0, રાજકોટ 41.5, સુરેન્દ્રનગર 41.6, મહુવા 38.8 તેમજ કેશોદમાં 39.5 ડિગ્રી નોંધાયું છે. ભારતમાં છેલ્લા બે મહિનાથી જુદા જુદા રાજ્યના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક એવા મહાનગરમાં તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ગયું છે. પાંચ રાજ્યમાં સતત લૂં નો અનુભવ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં તો શાળા તેમજ કૉલેજ બંધ કરવા પડ્યા એવી સ્થિતિ છે. ભારતીય હવામાન ખાતાની યાદી અનુસાર પંજાબ, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશમાં સતત લૂં નો અનુભવ થઈ રહ્યો છે.
મોટી આગાહીઃ આગામી પાંચ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. ગરમીનું જોર હજું પણ વધવાના એંધાણ છે. જોકે, સાંજ પડતા જ રાહત અનુભવાશે. હજું પણ ગરમીમાં વધારો થશે તો લોકોની પરેશાનીમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે. આવનારા દિવસો દરિયાકિનારાથી લઈને મેદાની પ્રદેશ સુધીના વિસ્તારમાં ભારે ગરમીની અસર કરનારા રહેશે.