અમદાવાદ:ગુજરાતમાં એક છેલ્લા 24 કલાકમાં 24 જેટલા કોરોનના કેસ નોંધાયા છે તો બીજી તરફ H1N1 અને H3N2 ના પણ કેસ સામે આવતા તંત્ર સજાગ બન્યું હતું. આ અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 77 જેટલા H1N1 ના કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. બીજી તરફ H3N2 નાં 3 કેસ સામે આવ્યો છે. જો કે H3N2 વાયરસથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.
H3N2 નાં 3 કેસ:આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં વાયરલ ફીવરના લક્ષણો સાથેના તાવ, શરદી, ખાંસી જેવા કેસના મામલા વધુ સામે આવી રહ્યા છે. પહેલા અને બીજા પ્રકારના વાયરલમાં સાજા થવાની સંભાવના વધુ છે પરંતુ ત્રીજા પ્રકારના વાયરલનું સંક્રમણ ફેફસા સુધી પહોંચી શકે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે સરકારે તમામ સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ ગુજરાતમાં H3N2 નાં 3 કેસ મળ્યા છે અને 77 કેસ H1N1 ના મળ્યા છે. H3N2 નાં વાયરસથી કોઈનું પણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં 1 મૃત્યુ નોંધાયું છે તે H1N1 વાયરસના કારણે છે.
તંત્રની પૂરતી તૈયારીઓ:ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગભરાવાની જરૂર નથી કારણ કે સરકાર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે 24 કલાક કામ કરી રહી છે. અમે તેનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર કર્ણાટક અને હરિયાણાએ અત્યાર સુધીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાથી એક-એક મૃત્યુની પુષ્ટિ કરી છે. H3N2 એ પ્રબળ પેટા પ્રકાર છે જેના પછી H1N1 આવે છે. આ બંને પેટા પ્રકારો ઈન્ફલ્યુએન્ઝા 'A' પ્રકારના છે.