ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : એક જ કલાકમાં પોણો કરોડથી વધુની કિંમતના આઈફોનની ચોરી, CCTVમાં સમગ્ર ઘટના કેદ - Gujarat university

પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલા મોબાઇલ શોપમાંથી લાખોની કિંમતના આઈફોન ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. ચોર એક જ કલાકમાં ચોરીને અંજામ આપીને ફરાર થઇ ગયો હતો. જોકે,આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે. ચોર રોકડા તેમજ રૂ.77.39 લાખના મોબાઈલ ચોરી ગયા હોવાનો અંદાજ છે.

Ahmedabad Crime : પાંજરાપોળમાં પોણો કરોડથી વધુની કિંમતના આઈફોનની ચોરી, CCTVમાં સમગ્ર ઘટના કેદ
Ahmedabad Crime : પાંજરાપોળમાં પોણો કરોડથી વધુની કિંમતના આઈફોનની ચોરી, CCTVમાં સમગ્ર ઘટના કેદ

By

Published : Jun 6, 2023, 6:26 PM IST

અમદાવાદ: પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલા થર્ડ આઇ વિઝન કોમ્પલેક્ષમાં આવેલી મોબાઇલ શોપમાં મધરાત્રે ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. એક મોબાઇલ શોપમાંથી ચોર રાત્રે આવીને એકાદ કલાકમાં જ રૂ.77.39 લાખના 119 આઇફોન ચોરી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઇ હતી. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જાણો સમગ્ર મામલો:ઘાટલોડિયામાં આવેલા આર્યન એનીમેન્ટમાં રહેતા અપુર્વભાઇ ભટ્ટ પાંજરાપોળ ચાર રસ્તા પાસે દુકાનમાં મોબાઇલ ફોન ખરીદ વેચાણનો વેપાર કરે છે. શનિવારે સાંજે તેઓએ દુકાન બંધ કરી હતી. બાદમાં રવિવારે મોબાઇલ ફોનની ડિલિવરી આવવાની હોવાથી સાંજે ગોડાઉન ઇન્ચાર્જ નિલેશ શાહ ઓફિસે આવ્યા હતા. તેઓએ જે 350 આઇફોન મંગાવ્યા હતા, જેની ડિલિવરી મેળવી માલ ગોડાઉનમાં મૂકીને નિલેશભાઇ પણ ઓફિસ બંધ કરી ઘરે જતા રહ્યા હતા.

77.39 લાખના આઇફોન ચોરી: બાદમાં સોમવારે સવારે નિલેશભાઇ ઓફિસ આવ્યા ત્યારે જોયુ તો ઓફિસના તાળા તુટેલા હતા. જેથી તેઓએ અપુર્વભાઇને ફોન કરીને જાણ કરી હતી. અપુર્વભાઇ પણ ચોરીની ઘટના જાણીને તુરંત જ દુકાને પહોંચ્યા હતા. ત્યાં જઇને જોયુ તો ઓફિસમાંથી રોકડ રકમ ગાયબ હતી. બાદમાં જે માલની ડિલીવરી થઇ હતી તેમાંથી પણ કેટલોક માલ ચોરી થયો હતો. નવો આવેલો માલ અને જૂના સ્ટોકમાંથી કેટલાક આઇફોન ચોરી થયા હતા.બાદમાં ઓફિસના લોકોએ ભેગા મળી સ્ટોક તપાસતા ચોર રોકડા 63 હજાર, 10 બોક્ષમાંથી 3 બોક્ષમાં મૂકેલા 48.74 લાખના 72 આઇફોન, બીજા પાર્સલમાંથી 21.7 લાખના 36 આઇફોન અને જુના સ્ટોકમાંથી 6.54 લાખના 11 આઇફોન એમ અલગ અલગ મોડલના કુલ 77.39 લાખના 119 આઇફોન ચોરી ફરાર થઇ ગયો હતો.

આ ઘટના અંગે ગુનો દાખલ કરી ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની મદદ લઈ ચોરી કરનાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સીસીટીવીમાં ચોરી કરનાર આરોપી કેદ થયો હોય જે ફૂટેજના આધારે આરોપીને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.--- વી.જે જાડેજા (PI,ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન)

એક જ કલાકમાં ખેલ ખતમ: જ્યારે અપુર્વભાઇએ ઓફિસના સીસીટીવી ફુટેજ તપાસ્યા તો તેમાં રાત્રે 12 વાગ્યા આસપાસ એક ટોપી અને માસ્ક પહેરીને આવેલો શખ્સ જોવા મળ્યો હતો. જેણે એક જ કલાકમાં તાળા તોડી ચોરીને અંજામ આપીને ફરાર થઇ ગયો હોવાનું જણાતા પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આટલી મોટી ચોરીની ઘટનાને લઇને શહેર ક્રાઇમબ્રાંચે પણ ચોરને શોધવા તજવીજ હાથ ધરી છે.

  1. Ahmedabad Crime : NRI બનીને આવેલા દંપતી વેપારીને વશીકરણ કરીને ચોરી કરી ફરાર, જૂઓ વીડિયો
  2. Financial Fraudster in Ahmedabad: વ્હાઇટ કોલર જોબના લોન ધિરાણના મેનેજરે કરી લાખોની છેતરપિંડી

ABOUT THE AUTHOR

...view details