અમદાવાદ:અમદાવાદના કેશવબાગ વિસ્તારમાં આવેલી સેવન સ્ટાર હોટલ ITC નર્મદાના બીજા માળે આવેલા મીટીંગ રૂમમાંથી બે દિવસ પહેલા આઇપેડની ચોરી થઈ હતી. ચોરીની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે કુશલ ઉર્ફે કે. ટી ઠક્કર અને મોઈન ધલ્લાવાલાની ધરપકડ કરી છે. કુશલ જે હોટલમાં બે દિવસ પહેલા ગયો હતો તે હોટલમાં મીટીંગ રૂમમાંથી ચોરી થઇ હતી. સીસીટીવી મળતા પોલીસે સેટેલાઈટના રહેવાસી કુશલની ધરપકડ કરી હતી. કુશલે ચોરી કરેલો આઇપેડ મોઈનને પધરાવી દીધો હતો. પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
ડ્રગ્સના પૈસા ચૂકવવા ચોરી:પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આઇપેડ ચોરીના ગુનાની તપાસ કરતા પોલીસના હાથે મોઈન નામનો ડ્રગ સપ્લાયર પણ આવી ગયો. જેની અગાઉ અમદાવાદ SOG એ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આરોપી કુશલ છેલ્લા ત્રણેક વર્ષથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને મોઈન પાસેથી પણ તે ડ્રગ ખરીદતો હોવાનું સામે આવ્યું છે. માટે પોલીસને શંકા છે કે ચોરીનું આઇપેડ ડ્રગ્સના બાકી રૂપિયાની ચુકવણી માટે મોઈનને આપ્યું હોઈ શકે છે જેની પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
'ચોરીના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ડ્રગ્સ કેસમાં અગાઉ ઝડપાયેલો હોવાનું સામે આવતા આરોપીની વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોતાના મોજશોખ પુરા કરવા આરોપી ચોરીના રવાડે ચડ્યો હોવાનું આવ્યું છે.'-ગુરપ્રિત શ્યાન, ACP, એ ડિવિઝન