ચાંદલોડીયાની શાળામાં શિક્ષિકાએ ફૂલ જેવા વિદ્યાર્થીને હેવાનની જેમ માર્યો, શિક્ષિકા સસ્પેન્ડ.. અમદાવાદ :ચાંદલોડિયા વિસ્તારમાં એક શિક્ષિકા દ્વારા માસૂમ બાળકને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ખરાબ રીતે માર મારવાના કારણે બાળકનો પગ સોજી જતા આ બાબત વાલીના ધ્યાને આવી હતી. જેની જાણ શાળા સંચાલકને કરવામાં આવી હતી. ત્યારબાદ પણ શિક્ષિકા વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાતા આ મામલે ફરી રજૂઆત કરવામાં આવી હતી. અંતે શિક્ષિકાને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શક્તિ વિદ્યાલયનો બનાવ : બાળકના પિતા ભાઈલાલ ભાઈ મકવાણાએ ETV ભારત સાથે સમગ્ર મામલે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મારો સાડા પાંચ વર્ષનો દિકરો દર્શન મકવાણા ચાંદલોડિયાની શક્તિ વિદ્યાલયમાં સિનિયર કે.જી 2માં અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજના સમયે મારા બાળકને માર માર્યો હતો. બાળક ઘરે આવ્યા બાદ તેની માતાએ તેના કપડા બદલતા સમયે માર માર્યાના નિશાન જોયા હતા.
બાળકાના શરીર પર મારના નિશાન જોતા માતાને આ બનાવની જાણ થઈ હતી. મારા દિકરાને તાવ પણ આવી ગયો હતો. અંતે બાળકે શિક્ષિકાએ માર્યો હોવાની વાત જણાવી હતી. ત્યારબાદ માતા શાળાએ આ અંગે ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે શિક્ષિકાએ હવે નહીં મારીયે એવું જણાવ્યું હતું.-- ભાઈલાલ મકવાણા (બાળકના પિતા)
પાટલી પર માથું પછાડ્યું: બાળકના વાલીનું કહેવું છે કે, છેલ્લા એક મહિનાથી આ શિક્ષકા મારા બાળકને મારતી હોવાની ફરિયાદ હતી. મારા દિકરાને એક વાર શર્ટ ખેંચીને માર્યો હતો. એક વાર પાટલી પર માથું પછાડ્યું હતું. એ વખતે પણ નાક પર વાગ્યું હતું. આજે હું ટ્રસ્ટીને મળ્યો અને રજૂઆત કરી જેથી શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શિક્ષિકા સસ્પેન્ડ : આ અંગે શક્તિ વિદ્યાલયના ટ્રસ્ટી માણેકલાલ પટેલે ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, બાળકના પિતાએ અમને રજૂઆત કરી હતી. બાળકને વાગ્યું હોય તે દેખાય છે. જેથી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને અમે શિક્ષિકા કલ્પના બેન પટેલને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા છે. અન્ય શિક્ષકોને પણ બોલાવી આ પ્રકારે કોઈ વિદ્યાર્થી સાથે વર્તન ન થાય તે બાબતનું સૂચન કર્યું છે.
- શિક્ષણના ધામમાં શિક્ષા, પ્રાર્થનામાં મોડું થતાં વિદ્યાર્થીઓને ક્રૂરતાપૂર્વક માર માર્યો
- 8મા ધોરણના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર, વીડિયો થયો વાયરલ