- કોરોનાકાળથી બંધ હતા નાટ્યગૃહો
- નાટય કલાકારો કરી રહ્યા છે નવી શરૂવાત
- નાટક ના પ્રયોગો કરવા થનગની રહ્યા છે કલાકારો
- અમદાવાદ અને મુંબઇ ની ગુજરાતી રંગભૂમિ માં થઈ રહી છે શરૂવાત
અમદાવાદઃ કોરોના કાળમાં છેલ્લા ઘણા સમયથી બંધ નાટ્યગૃહો હવે ધીરે ધીરે શરૂ થવા જઈ રહ્યા છે. કોરોના લોકડાઉનના સમયમાં દરેક ધંધા રોજગાર બંધ થયા હતા ત્યારબાદ છેલ્લા 3 મહિનાથી ધીરે ધીરે બધા કામો શરૂ થઈ રહ્યા છે, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓને પ્રથમ પ્રાધાન્ય મળતું હોય છે અને ઘર તથા સામાજીક જીવનમાં રહેવા માટેના ધંધા રોજગાર પણ શરૂ થયા છે, ત્યારે લોકડાઉનના સમયમાં જેમણે સૌથી વધુ મનોરંજન ઓનલાઇન આપ્યું છે. તેવા કલાકારો પણ હવે પોતાના પ્રેક્ષકો પાસે જવા માટે આતુર છે અને સાથે જ પ્રેક્ષકો પણ હવે તખ્તા પર કલાકારોને જોવા થનગની રહ્યા છે. તેવા સમયમાં સરકારી ગાઈડલાઈનને અનુસરીને અમદાવાદ અને મુંબઈની ગુજરાતી રંગભૂમિમાં નાટકના કાર્યક્રમોની શરૂઆત થઈ રહી છે.
નાટ્યવિદ કબીર ઠાકોર સાથે ETV ભારતની ખાસ મુલાકાત
આ વિષય પર આજે ETV ભારત દ્વારા અમદાવાદના સિનિયર નાટ્ય કલાકાર, દિગ્દર્શક અને નાટ્યવિદ કબીર ઠાકોર સાથે ખાસ મુલાકાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, એક્સપરિમેન્ટલ થિયેટર છેલ્લા 2 મહિનાથી ધીરે ધીરે શરૂ થઈ ગયા છે અને હજી સરકારી ગાઈડલાઈન પ્રમાણે ફક્ત 60 પ્રક્ષકોની વચ્ચે નાટકના પ્રયોગોની શરૂવાત કરી છે હવે કલાકરો અને પ્રેક્ષકો પણ સાથ આપી રહ્યા છે અને નાટક જોઈને મનોરંજન મેળવી રહ્યા છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કલાકારો માટે નાટકએ તેમના જીવનમાં જરૂરિયાત બની ગઈ હોય છે. લોકડાઉનના સમયમાં કલાકારો આ મંચથી દૂર રહ્યા છે પણ હવે તેઓ નાટકની નજીક આવીને પ્રેક્ષકોને મનોરંજન આપવા તૈયાર છે.
કોરોના કાળ પછી હવે ફરી વખત ફ્લોર પર આવતા નાટ્યકલાકારો સરકારી નીતિ નિયમો મુજબ થઈ રહ્યા છે નાટકના આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે આગામી દિવસોમાં પ્રોફેશનલ નાટકના આયોજનો પણ નાટ્યગૃહોમાં થવા જઈ રહ્યા છે. જેની માટે સરકારી ગાઈડલાઈન મુજબ તૈયારીઓ ચાલુ કરવામાં આવી રહી છે. કલાકારો તો આ નિર્ણયથી ખૂબ ખુશ છે પરંતુ સરકારી ગાઈડલાઈન મુજબ જે નાટ્યગૃહોમાં 700 પ્રેક્ષકોની કેપેસિટી હોય તેવામાં 200 પ્રેક્ષકોને જ નાટક જોવા માટે પ્રવેશ આપવામાં આવશે. તેવા સમયમાં પ્રેક્ષકોને કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે અને નાટકના આયોજકોને કઈ રીતે આ આયોજનો પરવડશે તે તો જોવું જ રહ્યું પરંતુ કલાકારો અને પ્રેક્ષકો બંને આ વાતથી ખુશ છે કે, નાટ્યગૃહો શરૂ થયા છે અને કલાકારો તેમની કલા પીરસી શકશે.
મુંબઇના જાણીતા ગુજરાતી નાટકના લેખક સાથે વાતચીત
આ વિષય પર ETV Bhart દ્વારા મુંબઈના ગુજરાતી રંગમંચના જાણીતા લેખક વિનોદ સરવૈયા સાથે ફોનથી વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતી રંગભૂમિ ફરી કાર્યરત થવા જઈ રહી છે, તે છેલ્લા નવ મહીના પછીના પહેલા સારા સમાચાર છે અને મારા માનવા પ્રમાણે રંગભૂમિએ રોજગાર પુરી પાડતી કોઈ કંપની કે, સંસ્થા નથી. કેમ કે અહિયાં કામ કરતા તમામ કલાકારો તેમજ કસબીઓને આપણે વર્કર, કારીગર કેપગારદાર નહી પણ નાટ્યકર્મી કહીએ છીએ. નાટ્ય સંસ્થા એ ફક્ત કલાકારોની જાગીર નથી પણ પ્રેક્ષકો પણ કલાકાર જેટલાજ ભાગીદાર છે. કલા દ્વારા રંગદેવતાની સાધના કરતા અસંખ્ય કલાકાર કસબીઓએ લોકડાઉન દરમિયાન માનસિક તણાવ અને ફાઇનાન્શ્યલી પીડાઓ ભોગવી. તેમ છતાં કોઈ પણ કલાકાર કસબીઓ સડક પર આંદોલન કરવા ઉતરી આવ્યા હોય તેવા દાખલા નથી. કેમ કે કલાકાર કસબીઓની જગ્યા તખ્તો છે. નાટક એ સમાજનું દર્પણ છે અને સમાજને એ દર્પણથી વધારે વખત દુર ના રાખી શકાય. સરકારે બને તેટલી મદદ કરવી જોઈએ. કેમ કે જે સમાજ અને સરકાર કલાકાર અને કસબીઓનું ધ્યાન નથી રાખી શકતી તે નીરસ અથવા મૃતપાય માનવામાં આવે છે.