- શહેરમાં કોરોનાના કેસો વધ્યા
- ખાણી-પીણી બજાર પણ રહેશે બંધ
- કોરોનાના કેસો વધતા ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ
અમદાવાદ:શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10:00 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણી બજાર, મોલ, ગલ્લા, ટી-સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાત્રે 10:00 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુરમાં ખાણી-પીણી બજાર પણ બંધ રહેશે.
આ પણ વાંચો:વડોદરામાં કોરોનાના કેસોમાં વધારો, 24 કલાકમાં 23 લોકો SSG હોસ્પિટલમાં દાખલ
કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો
હાલમાં શહેરના લોકોને કોવિડ-19 રોગથી રક્ષણ મળે તે માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી કોવિડ-19 વેક્સિન આપવાની કામગીરી પણ ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસોનું એનાલિસિસ કરતાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તદુપરાંત આ કેસોનું વોર્ડ પ્રમાણે અવલોકન કરતા અન્ય વોર્ડની સરખામણીમાં વધારે કેસો નોંધાયેલા છે.
ખાણી-પીણી બજાર પણ રહેશે બંધ ધંધાકીય એકમો રાતના 10:00 વાગ્યા બાદ બંધ
કોર્પોરેશને જાહેર કરેલા તમામ વોર્ડમાં હાલમાં નોંધાયેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમો જેવા કે, રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન-મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે એકમો રાતના 10:00 વાગ્યા બાદ બંધ રાખવાના રહેશે, સાથે જ માણેક ચોકની ખાણી-પીણી બજાર તથા રાયપુર દરવાજા નજીક આવેલી રાયપુર ખાણી-પીણી બજાર પણ રાતના 10:00 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કરાયો છે.
આ પણ વાંચો:રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું
અઠવાડિયા પહેલા પણ તંત્રએ રેસ્ટોરન્ટ બંધ કરાવ્યા હતા
અઠવાડિયા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાએ અચાનક સોશિયલ ડિસ્ટન્સ ભંગના બહાને રાત્રે 08:00 વાગ્યે નારણપુરા, મણિનગર, પાલડી, થલતેજ, નવરંગપુરા, અંકુર, બોડકદેવ, જોધપુર વગેરે વિસ્તારમાં રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધા હતા. જેને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જોકે હવે કોર્પોરેશને આ વિસ્તારોમાં 10:00 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રાખવાનો નિર્ણય લઈ લીધો છે.
શહેરમાં 35 ટકા એક્ટિવ કેસ વધ્યા
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિના સુધી કોરોના લગભગ કાબૂમાં આવી ગયો હતો, પરંતુ ચૂંટણીના સમયમાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને રાજકીય રંગમાં રંગાઈ ગયા હતાં. જેના લીધે કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. 28 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસનો આંક 632 હતો, જ્યારે હવે 14 માર્ચના રોજ વધીને 850 થયો છે.