અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને નવા કેસ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ઇવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે G20માં કામ અપાવવાનું અને અન્ય કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને ફાઈવસ્ટાર હોટલમાં મિટિંગો યોજી હતી.
વધુ એક ફરિયાદ: મહાઠગ કિરણ પટેલ ની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કિરણ પટેલ સામે વધુ એક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કિરણ પટેલે G-20 સમિટના બેનર હેઠળ હોટેલ હયાતમાં કુલ 3,51,000 નો ખર્ચ કરાયા હોવાની અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આ નવી નોંધાયેલી ફરિયાદ સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
સાત દિવસના રિમાન્ડની માંગ:સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલ નિસાર વૈદ્યએ જણાવ્યું હતું કે, 'આરોપી કિરણ પટેલને ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ડિમાન્ડ પૂર્ણ થતા આજરોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે કિરણ પટેલ સામે બીજી પણ એક ફરિયાદ દાખલ થઈ છે. આ કેસના તપાસ માટે થઈને કોર્ટે કિરણ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.'