હાઈકોર્ટે નોંધ્યું હતું કે કેટલાક મકાનધારક - સભ્યોના અંગત હિતને ધ્યાનમાં રાખીને હાઉસિંગ સ્કીમને રિડેવલ્પ કરવાની પ્રક્રિયા અટકાવી શકાય નહિ. રાજકોટની હાઉસિંગ સ્કીમના કુલ 208 મકાનધારક - સભ્યો પૈકી 158 સભ્યોએ રિડેવલ્પમેન્ટની મંજૂરી આપી હતી. જોકે અરજદાર સહિત 27 જેટલા સભ્યોએ રિડેવલ્પમેન્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે અવલોકોન કરતા જણાવ્યું કે અરજદાર રિડેવલ્પમેન્ટથી સંપતિ પરથી પોતાનું માલિકી અધિકાર ગુમાવતા નથી. હાઉસિંગ કોલોનીનું બાંધકામ 40 વર્ષ કરતા જુનું અને જર્જરિત સ્થિતિમાં હોવાથી કોઈપણ સમયે દુર્ધટનાની સંભાવનાને પણ ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
હાઉસિંગ સ્કીમના રિડેવલ્પમેન્ટમાં અમુક સભ્યોની અસંમતિથી મહતમ સભ્યોને લાભથી વંચિત રાખી શકાય નહિ : હાઈકોર્ટ
અમદાવાદ : હાઉસિંગ સ્કીમના રિ-ડેવલ્પમેન્ટની સંમિતને લઈને અનેક પ્રકારના પ્રશ્નો સર્જાય છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટની હાઉસિંગ કોલોનીના રિડેવલ્પમેન્ટ સામે દાખલ કરાયેલી રીટ મુદે જસ્ટીસ વિપુલ પંચોલીએ મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે જ્યારે હાઉસિંગ સ્કીમના મોટાભાગના સભ્યોએ રિડેવલ્પમેન્ટ માટેની સંંમતિ આપી હોય, ત્યારે થોડા સભ્યોના વિરોધને લીધે મહતમ સભ્યોને લાભથી વંચિત રાખી શકાય નહિ.
રાજકોટ મહાનગરપાલિકા વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે શરૂઆતમાં કુલ 208 મકાનધારક સભ્યો પૈકી 128 જેટલા મકાનધારક - સભ્યો પાસેથી રિડેવલ્પમેન્ટ માટેની સંમતિ લીધા બાદ કોર્પોરેશન દ્વારા અરવિંદ કાઉસિંગ ક્વોટર્સના રિડેવલ્પમેન્ટ માટે કરાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની જાહેર હાઉસિંગ સ્કીમ યોજના હેઠળ 20 કે તેથી જુની સરકારી માલિકીની જમીન પર બનેલી હાઉસિંગ કોલોનીઓને રિડેવલપ કરવામાં આવશે. આ યોજના હેઠળ અરવિંદ ક્વોટર્સના મકાનધારકોને 140 ટકા કાર્પેટ એરિયા સાથે વર્તમાન 1 BHKની જગ્યાએ 2 BHK ફલેટ આપવામાં આવશે. એટલું જ નહિ રિડેવલ્પમેન્ટ માટે મકાન ખાલી કરનાર મકાનધારકોને PPPના ધોરણે બાંધકામ રિડેવલપ કરનાર બિલ્ડર દ્વારા મહિને 5 હજાર રૂપિયા મકાન ભાડું અને સાત વર્ષ સુધી મેન્ટેન્સનો ખર્ચ પણ ઉપાડશે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે રાજકોટમાં મહાનગરપાલિકા અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલ્પમેન્ટ કોર્પોરેશન દ્વારા 1979માં અરવિંદ મણિયાર ક્વોટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. પબ્લિક ડ્રો થકી પંસદગી પામેલા કુલ 208 લોકોને મકાનનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. વર્ષ 1992માં 18 હજાર રૂપિયાના વેંચાણ કરાર હેઠળ મકાન ધારકોના નામે કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં રાજ્ય સરકારે જર્જરીત હાઉસિંગ સ્કીમને રિડેવલ્પ કરવા માટેની યોજના બહાર પાડી હતી. આ યોજના હેઠળ ક્વોટર્સના રિડેવલ્પમેન્ટ સામે કેટલાક સભ્યોએ હાઈકોર્ટમાં કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં અગાઉ આપેલો સ્ટે પાછો ખેંચી અરજદારની રિટ ફગાવી દીધી છે.
અમદાવાદથી રિપોર્ટર આકીબ છીપાનો વિશેષ અહેવાલ...