અમદાવાદ: હાઈકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડે અને જ્યાં સુધી નવો પરિપત્ર બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી શિક્ષણ પ્રવૃત્તિ અટકવી ન જોઈએ. એટલે ઓનલાઈન શિક્ષણ પ્રવૃત્તિ જારી રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ ચૂકાદા બાદ હવે શાળા અને સરકાર વચ્ચે બેઠક થઈ શકે છે. જેમાં ફીમાં કેટલાક પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકાય છે તેવું સૂત્રો દ્વારા હાલ જાણવા મળ્યું છે.
શાળા ફી મુદ્દે શિક્ષણ વિભાગનો ઠરાવ હાઈકોર્ટે રદ કર્યો
શાળાઓ ફરીવાર ફિઝિકલ સ્વરૂપમાં ફરીવાર ન ખુલે ત્યાં સુધી સંચાલકો કોઈપણ પ્રકારની ફી ન વસુલી શકે તેવા શિક્ષણ વિભાગના ઠરાવને શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ જાહેર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટનું અવલોકન છે કે ઠરાવમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. આગામી દિવસોમાં રાજ્ય સરકાર નવો ઠરાવ પસાર કરી શકે છે.
લૉકડાઉનના સમયગાળામાં જે વિદ્યાર્થીઓએ વૈક્લિપક સુવિધા/પ્રવૃતિઓનો લાભ લીધો છે એ માટે ફીની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ જે શાળાઓ સેવા આપતી નથી. શાળા કોઈપણ પ્રકારની ફી વસૂલી શકશે નહીં. કોરોનાના કપરા સમયને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓ ફી વધારો કરી શકશે નહીં. ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને શાળા હાંકી શકશે નહીં.
નોંધનીય છે કે લૉકડાઉનના સમય દરમિયાન પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું તેની સામે ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારને વાલીઓ અને શાળાઓ વચ્ચે મધ્યસ્થી બની નિણર્ય લેવાનો આદેશ કર્યો હતો. જોકે વાલીઓને બોજો ન થાય તેવો નિણર્ય લેવાની તાકીદ પણ કરી હતી. હાઈકોર્ટે 30મી જૂન સુધી વાલી ફી ન ભરે તો વિદ્યાર્થીનું એડમિશન રદ ન કરવાનો આદેશ કર્યો હતો.
વાલીઓ વતી હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માગ કરવામાં આવી છે કે કોરોના લૉકડાઉનને લીધે ધંધોવેપાર બંધ હોવાથી એપ્રિલ અને મે મહિનાના ઓનલાઈન અભ્યાસની ફી ખાનગી શાળાઓ દ્વારા માફ કરવામાં આવે અથવા આ બે મહિનાની માત્ર સ્કૂલ ફી જ વસૂલવામાં આવે.
વાલીઓ દ્વારા માગ કરવામાં આવી છે કે ખાનગી શાળા ફી માફ કરે અથવા તો ફીસમાંથી ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, સ્ટેશનરી ફી સહિતની ફીસ માફ કરવામાં આવે, કારણે કે કોરોના લૉકડાઉન દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં બાળકોએ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે લેબ, કોમ્પ્યુટર સહિતનો ઉપયોગ કર્યો નથી. વાલી માત્ર સ્કૂલ ફી ચૂકવવા તૈયાર થયાં છે. નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાએ 30મી ઓગસ્ટ બાદ શાળાકોલેજ શરૂ કરવાનો નિણર્ય લેશે.