- ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર મળશે
- 3 બિલ પસાર થશે
- વિરોધ પક્ષ રાજ્ય સરકારને ઘેરશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બે દિવસ સત્ર સોમવાર અને મંગળવારે મળશે. આ સત્રમાં 18 જેટલા મહાનુભાવોના શોક ઠરાવ કરવામાં આવશે. તેમજ ત્રણ બિલ પસાર કરાશે. ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ એમેન્ડમેન્ટ એક્ટ, ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ એક્ટ અને ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ વિધેયકો પસાર થશે.
નવા પ્રધાનમંડળ પછી પહેલી વિધાનસભા
ગુજરાત વિધાનસભાનું સત્ર બોલાવ્યું, ત્યારે પૂર્વ CM વિજય રૂપાણીની સરકાર હતી. આખા પ્રધાનમંડળે સાથે રૂપાણીએ રાતો રાત રાજીનામું આપી દીધુ હતું. જેથી નવા CM પદે ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે અને 24 નવા પ્રધાનોએ શપથ લીધા બાદ નવા પ્રધાનમંડળ સાથે હવે વિધાનસભા સત્ર મળી રહ્યું છે એટલે વિધાનસભામાં બેઠક વ્યવસ્થામાં ફેરફાર થશે.
આ પણ વાંચો:આગામી 27 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાશે
વિધાનસભામાં નવી બેઠક વ્યવસ્થા
ગુજરાત વિધાનસભામાં વ્યૂઈંગ ગેલેરીમાં બેસનાર નવા મુખ્યપ્રધાન સહિતના 10 ધારાસભ્યો હવે વિધાનસભાના ફ્લોરમાં ટ્રેઝરી બેન્ચમાં બેસશે. કોરોના ગાઈડલાઈન્સને કારણે વિધાનસભામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોવાથી એક પાટલી પર 2 ધારાસભ્યોને બદલે એક જ ધારાસભ્ય બેસશે. 6 મહિના પહેલા જ્યારે વિધાનસભા મળી હતી, ત્યારે સિનિયર ધારાસભ્યો ગ્રાઉન્ડ ફ્લોર પર પાટલી પર બેઠા હતા અને જૂનિયર ધારાસભ્યોને વ્યૂઈંગ ગેલેરી એટલે પ્રેક્ષક દિર્ધામાં બેસાડ્યા હતા. હવે 10 જૂનિયર ધારાસભ્યો પ્રધાન બન્યા છે. જેથી તેઓ હવે ગ્રાઉન્ડ ફ્લોર પર બેસશે અને સિનિયર પ્રધાનો તેમની પાછળની ત્રીજ અને ચોથી હરોળમાં બસશે.
રૂપાણી અને નીતિન પટેલ ક્યાં બેસશે
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યૂટી CM નીતિન પટેલ ગ્રાઉન્ડ ફ્લોર પર અલગથી એક જ પાટીલ પર બેસે, તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષની ખુરશી પર બેસતા હતા. હવે તેઓ પ્રધાન બન્યા છે આથી તેઓ હવે ગ્રાઉન્ડ ફ્લોર પર પાટીલ પર બેસશે અને અધ્યક્ષ પદની ખુરશી પર ડૉ. નીમાબહેન આચાર્ય બેસશે.
આ પણ વાંચો:કામકાજ સલાહ સમિતિ બેઠક યોજાઇ : કોંગ્રેસે 7 દિવસીય સત્રની માગ કરી, પણ 2 દિવસ જ યોજાશે ચોમાસુ સત્ર
વિરોધ પક્ષ કેટલો વિરોધ કરશે
કોરોનાની ત્રીજી લહેરમાં સરકારની નિષ્ફળતાને કારણે વિરોધ પક્ષ સરકારને ઘેરવા માટે ભરપૂર વિરોધ કરશે. તેમજ CM સહિત પ્રધાનમંડળ બદલવાના મુદ્દાને લઈને વિરોધ પક્ષ સરકાર પર ચાબખા મારશે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે. જેમાં ખેડૂતોને વધુ વળતર મળે તે માટે સરકાર સમક્ષ માગ કરશે. તેમજ કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારોને 4 લાખ મળે તેવી માગ કરશે. આમ ચારેત તરફથી વિરોધ પક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.