ગુજરાત

gujarat

પાક વીમામાં ખેડૂતોને કેટલા રૂપિયા ચુકવ્યા તે મુદે સરકાર એક્શન ટેકન રિપોર્ટ રજુ કરેઃ હાઈકોર્ટ

By

Published : Aug 14, 2019, 11:00 PM IST

અમદાવાદઃ 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' હેઠળ સુરેન્દ્રનગરના બોડિયા ગામના આશરે 100 થી 150 જેટલા ખેડૂતોએ છેલ્લા ત્રણ વર્ષમાં પાક વીમો ચુકવ્યો હોવા છતાં વળતર ન મળતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી. બુધવારે આ અંગે કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે કેન્દ્રિય કૃષી મંત્રાલય, રાજ્ય સરકાર અને જીલ્લા કૃષિ અધિકારીને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 18મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ

પાક વીમાંનું વળતર ન મળતા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી મામલે બુધવારે હાઇકોર્ટે સરકારને એક્સન ટેક્ન રીપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. આ મામલે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, સરકાર સબસીડી અને ખેડૂતોનું પ્રીમિયમ આપે છે. પરંતુ, વીમા કંપની ખેડૂતોને વળતરની રકમ ચૂકવતી નથી. જો કે આ મામલે હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે વીમા કંપની સામે હજુ સુધી કેમ કોઈ પગલાં નથી લીધા તેનો જવાબ આપો.

હાઈકોર્ટે સરકારને આ મામલે કડક પગલા લેવા કહ્યું છે કે વીમા કંપનીને બ્લેક લિસ્ટ કરવી હોય તો કરી શકે છે. તેમજ પ્રિમિયમ રિકવર કરવું હોય તો તે પણ કરી શકે છે. પરંતુ, ખેડૂતોને પાક વીમાનું વળતર ચૂકવે. બુધવારે હાઇકોર્ટે સરકારની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ હાઇકોર્ટે સરકારને અત્યાર સુધી કેટલા ખેડૂતોને વળતર ચૂકવામાં આવ્યું છે અને કેટલા ખેડૂતોને પાક વીમા વળતર ચુકવાનું બાકી છે અને તેની કેટલી રકમ છે તે અંગે માહિતી સાથેનો એક્સન ટેકન રિપોર્ટ 18 સપ્ટેમ્બર સુધી રજુ કરવા માટે આદેશ કર્યો છે. વર્ષ 2016થી પાક વીમા યોજના હેઠળ વળતર નહીં મળતા સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના બોડીયા ગામના ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતો પાસેથી પ્રીમિયમના પૈસા લીધા બાદ પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ પાકવીમાનું વળતર ચુકવવામાં વર્ષ 2016થી ઠાગાઠૈયા કરી રહી છે.

ખેડુતોના વકીલ અમીરાજ બારોટે જણાવ્યું હતુ કે, 'પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના' હેઠળ બોડીયા ગામના 100 થી 150 ખેડુતો એવા છે જેમને 2016થી એક પણ રુપિયો પાક વીમા પેટે મળ્યો નથી. જ્યારે, સરકારની આ સ્કીમમાં તેઓ છેલ્લા 3 વર્ષથી સરકારને, વીમા કંપનીને રુપિયા ચુકવે છે. જેના માટે આ પીટીશન કરેલી છે જેમાં હાઈકોર્ટે સરકારને નોટીસ કાઢી એક્શન ટેકન રીપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. જેમાં ઈન્સયોરેન્સ કંપની વકીલ પણ હાજર હતા. તેમને પુરતુ વળતર ચુકવવા અને સરકારને જવાબદારી લેવા કોર્ટે કહ્યુ છે. આ મામલે વધુ સુનાવણી 18 સપ્ટેમ્બરના રોજ થશે. વીમાં કંપનીએ કહ્યુ હતું કે 22 હજાર ખેડુતોને 90 કરોડ જેટલા રુપિયા ચુકવવામાં આવ્યા છે. રુપિયા ચુકવ્યા તે બાબતનો રીપોર્ટ સરકારને આપવો તથા તે બાબતનો સરકાર રીપોર્ટ બનાવી હાઈકોર્ટ સમક્સ રજુ કરવાનો રહેશે.

ABOUT THE AUTHOR

...view details