અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ કોવિડ-19 હોસ્પિટલો તરીકે પસંદ કરાયેલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ છે કે પછી ફાયર બ્રિગેડની NOC ધરાવે છે કે કેમ તે અંગે ચકાસવા માટે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે જ શુક્રવારે ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુર એ પોતાના અધિકારીઓ સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં કડક તપાસના આદેશ આપી દીધા હતાં. જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કે NOC ધરાવતી ન હોય તેવી હોસ્પિટલોમાં સાત દિવસમાં ફાયર સેફ્ટી સિસ્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી NOC મેળવી લેવાની નોટિસ ફટકારી હતી. જેને લઇ વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે 80 હોસ્પિટલોમાંથી 35થી વધુ હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે.
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ હરકતમાં આ આંકડાઓ પરથી એક બાબત તો સ્પષ્ટ થઈ રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘમાં ઝડપાઈ રહ્યું છે. ઘોર નિંદ્રામાં રહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આંખ ઉઘાડી થઇ છે. સૌથી મોટી બેદરકારીઓ સામે આવી રહી છે. મહામારીને ડામવા માટે શહેરની હોસ્પિટલો સાથે કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા માટેના MOU કર્યા હતા તે પૈકીની નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. તેમાં ફાયર ઓફિસર તરફથી અપાયેલી તારીખ પૂર્ણ થઇ ગઇ હોવાની વાતો જાહેર થતા અધિકારીઓ હાંફળા ફાંફળા થઈ ગયા હતાં. જોકે મહત્વની બાબત એક સામે આવી હતી કે ચકાસણી કર્યા વગર જ આ હોસ્પિટલો સાથે MOU થયાનું બહાર આવ્યું હતું. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી મોટી બેદરકારી એક શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ સામે આવી છેફાયર બિગેડ તરફથી રેગ્યુલર ઇન્ફેક્શન નહીં થતું હોવાની પણ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી જેની નિષ્ફળતાનો ભાર ચીફ ઓફિસર દસ્તુર પર ફોડ્યો હતો. તમામ કોવિડ-19 હોસ્પિટલોમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ચકાસણી કરવાનો હુકમ છૂટયા હતાં. જેના પગલે સ્ટાફને તાત્કાલિક હોસ્પિટલોમાં દોડાવી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી લાગેલી છે કે નહીં તેની ચકાસણીના આદેશ જારી કર્યા હતાં.વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 80 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસણી કરી હતી. તેમાં માત્ર 30થી 35 પાસે જ ફાયર સિસ્ટમ અથવા NOC હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી. જેથી ચોંકી ગયેલા ચીફ ફાયર ઓફિસરે ખાસ કરીને જે કોવિડ હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમ કે NOC નથી તેમને સાત દિવસમાં ફાયર સેફ્ટી સિસ્ટમના સાધનો વસાવીને ઓપરેટ કઈ રીતે કરવા તેની તાલીમ મેળવી NOC લેવાના આદેશ અને નોટિસ ફટકારવાની શરૂ કર્યું હતું.જોકે મહત્વની બાબત એક જ છે કે દીવા તળે અંધારું જેવી સ્થિતિ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જોવા મળી રહી છે. કારણ કે નવરંગપુરા ફાયર સ્ટેશન અડીને જ આવેલી સેલ્બી હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટી સિસ્ટમ કે ફાયર વિભાગની NOC નથી, ત્યારે વિજય રેસ્ટોરન્ટ નજીક જ આવેલી સેલ્બી હોસ્પિટલમાં જ ફાયર સેફટી ન હોવાથી અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોર નિંદ્રામાં જણાઈ રહ્યું છે, ત્યારે યુદ્ધના ધોરણે હાલ તો તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાનો શું અર્થ એવો પણ એક લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.