અમદાવાદઃ જિલ્લામાં જનતા કરફ્યૂનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરમાં પણ આજે વહેલી સવારથી જ મંદિરને તાળા મારવામાં આવ્યા હતા, અને મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. આ રીતે આસ્થાના કેન્દ્ર બિંદુ જગન્નાથ મંદિરને પણ બંધ રાખી અને વિશ્વભરના હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સરકારની ઝુંબેશની સાથે મંદિરો પણ જોડાયા હતા.
અમદાવાદનું જગન્નાથ મંદિર બંધ હોવા છતાં ભક્તો દર્શનના લાભ લેવા પહોંચ્યા - latest news of corona virus
કોરોના નામના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા જનતા કરફ્યૂ એટલે કે, સ્વયંભૂ બંધને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. વહેલી સવારથી જ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેથી રસ્તાઓ પણ સૂમસામ ભાસી રહ્યા છે. કોરોનાના કહેરને રોકવાની સરકારની સાથે જનતા પણ ખૂબ જ મક્કમ રીતે જોડાયેલી છે. રસ્તાઓ તેમજ બજારો બિલકુલ બંધ રહ્યા છે.
જનતા કરફ્યૂના આ સ્વયંભૂ બંધના પગલે આજે લોકો પણ બહાર નીકળતા ન હતા અને રસ્તાઓ પણ સૂમસામ નજરે જોવા મળતા હતા, પરંતુ આટલી ચૂસ્તપણે સ્વયંભૂ જનતા કરફ્યૂનો અમલ કરવામાં આવતો હોવા છતાં પણ અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં બંધ બારણે પણ છૂટાછવાયા ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા આવતા જોવા મળ્યા હતા.
સમગ્ર દેશમાં જ્યારે જનતા કરફ્યૂનો માહોલ છે, ત્યારે પણ ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા તેમને દર્શન કરવા ખેંચી લાવી છે. સાથે જ મનમાં એક અતૂટ શ્રદ્ધા પણ છે કે ગમે તેવો વાઇરસ કેમ ના હોય, ભગવાન જગન્નાથના દરબારમાં જવાથી અતૂટ વિશ્વાસના કારણે પણ દર્શનાર્થીઓ ભક્તો બંધ બારણે પણ મંદિરના ઝાંપેથી ઉભા ઉભા નિત્યક્રમના નિયમ મુજબ દર્શન કરવા આવતા નજરે પડે છે.