અમદાવાદઃ કોરોના મહામારીના ફેલાવાને રોકવા માટે દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે, ત્યારે દેશમાં મજૂર વર્ગને રોજગારી બંધ છે. જેને ધ્યાને રાખીને રેલવે બંધ હોવાથી છેલ્લા ઘણાં સમયથી કુલીને રોજગારી મળી નથી. જેથી વહીવટી તંત્ર દ્વારા 180 જેટલા કુલી પરિવારોને કરીયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વહીવટી તંત્રે 180 કુલી પરિવારોની કરી મદદ કુલી મુકાદમ ગજાનંદ, રાજુ ભાઈ ઠાકોર,રતનસિંહએ જણાવ્યું કે, રેલવે ચાલે એટલે અમારી રોજી ચાલે. રેલવે બંધ છે એટલે અમારી રોજી બંધ છે. તેવા સમયે આ મદદ ખૂબ કામ આવશે. આ અગાઉ રેલવેએ પણ ખાદ્ય સામગ્રીની મદદ કરી છે. હવે રેલવે ચાલુ થવાની અમને પ્રતીક્ષા છે. ફૂડ કમિટીના સુકાની અને નાયબ કલેકટર ખ્યાતિ પટેલે જણાવ્યું કે, આ કીટમાં રસોઈ માટે જરૂરી કરિયાણાનો સમાવેશ કરવમાં આવ્યો છે.
વહીવટી તંત્રે 180 કુલી પરિવારોની કરી મદદ 'સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈ: લોગ આતે હૈ લોગ જાતે હૈ સારી દુનિયા કા બોઝ હમ ઊઠાતે હૈ' આ ફિલ્મી ગીતને સાર્થક કરતાં રેલવે સ્ટેશનના પ્રવાસીઓના માલસામાન અને માલગાડીના માલસામાનનું વહન કરતા પરિશ્રમી કુલી ભાઈઓની રોજગારી બંધ છે. એ લોકો કાગ ડોળે રેલવે ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે, રેલવે ચાલે તો એમની રોજગારી ચાલે અને સંસાર ચાલે.
લોકડાઉનના કપરા સમયમાં શ્રમિકોની વિપદા સમજીને પોલીસ કમિશ્નર તેમજ અમદાવાદ જિલ્લા કલેકટરના દિશાસૂચનથી જિલ્લા વહીવટી તંત્રે ફૂડ કમિટીના માધ્યમથી રેલવે વિભાગે કુલીને કરિયાણા કિટના વિતરણના કરેલા આયોજનથી 180 પરિવારોમાં સુખદ રાહતની લાગણી પ્રસરી છે. કમિટી દ્વારા 2 દિવસમાં તમામ લાભાર્થીઓને બાકીની 175 કિટ્સનું વિતરણ કરી દેવામાં આવશે. રેલવે બંધ હોવાથી રોજગારી બંધ હોવા છતાં કુલી હાલમાં વિશેષ ટ્રેન દ્વારા યુપી, બિહાર, ઝારખંડ, આસામ જેવા રાજ્યોમાં જતા શ્રમિકોની રેલવે સ્ટેશન ખાતે વ્યવસ્થા સાચવવામાં ઘણી મદદ કરી રહ્યા છે.