વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા અમદાવાદ:ઓઢવ વિસ્તારમાં ગોકુલનગરમાં રહેતા 27 વર્ષીય શિક્ષકે વહેલી સવારે પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. જે મામલે પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાને લઈને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
વ્યાજખોરોની હેરાનગતિ:મૃતક સુ્બ્રોતો પાલના મોટા ભાઈએ શુભાંકર પાલે થોડા સમય પહેલા આરોપીઓ પાસેથી પૈસા લીધા હતા. જેની સામે તેણે 14 લાખ જેટલી રકમ ચુકવી દીધી હોવા છતાં આરોપીઓ દ્વારા વધુ પૈસાની માંગ કરવામાં આવતા મૃતકના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી.
શિક્ષકે લખેલ સ્યુસાઈડ નોટ સ્યુસાઈડ નોટમાં આરોપીઓનો ઉલ્લેખ: પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી શિક્ષકે આપઘાત કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. મૃતકના ઘરમાંથી પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં આરોપીઓના નામ અને અન્ય બાબતોનું લખાણ લખવામાં આવ્યું છે. જેમાં ત્રણેય આરોપીઓના નામ અને પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી તેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
5.50 લાખના ચુકવ્યા 14 લાખ:મૃતકના મોટા ભાઈ શુભાંકર પાલે ત્રણેય આરોપીઓ પાસેથી 5.50 લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. 14 લાખ જેટલા ચુકવી દીધા હોવાની પણ વાત સામે આવી છે. જોકે આરોપીઓ દ્વારા અવારનવાર હેરાન કરતા અને પૈસાની માંગ કરતા શુભાંકર પાલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે બચી ગયો હતો અને તેના નાના ભાઈએ આત્મહત્યા કરી છે.
" આ મામલે અગાઉ મૃતકના ભાઈએ ઓઢવમાં અરજી કરી હતી, જેના જવાબ ગઈ કાલે જ લેવામાં આવ્યો છે. જે રૂપિયા લેવામાં આવ્યા હતા તેમાં વ્યાજનો ક્યાંય ઉલ્લેખ ન હતો અને શેરબજાર અને ક્રિપ્ટોમાં રોકાણ માટે લીધા હતા. હાલમાં આપઘાત મામલે સ્યુસાઈડ નોટના આધારે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ સ્યુસાઈડ નોટને FSL માં મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે." - કૃણાલ દેસાઈ, આઈ ડિવીઝનના એસીપી
પોલીસે તપાસ હાથ ધરી:મહત્વનું છે કે મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવેલી અરજીનો જવાબ રવિવારે જ પોલીસ દ્વારા તેના ઘરે જઈને નોંધવામા આવ્યો હતો. આજે સવારે 5 વાગે આસપાસ શિક્ષકે આપઘાત કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ઓઢવ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ત્રણેય આરોપીઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાને લઈને ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
- Rajkot Crime News: વ્યાજખોરોનો ત્રાસથી જેતપુરમાં વધુ એક યુવાનનો આપઘાતનો પ્રયાસ
- વડાલીમાં વ્યાજખોરોએ આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા 4 આરોપીની ધરપકડ
- પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે વિષપાન કર્યું, કરોડો ઉસેટ્યાં છતાં હતો ત્રાસ