અમદાવાદ ડેસ્ક: સરકારી પરિક્ષા આપી રહેલા ઉમેદવારોને સતત મદદ કરવા માટે સરકાર તૈયાર રહે છે. હા,એ વાત અલગ છે કે, જો આવી પરીક્ષાનું પેપર ફૂટી જાય તો ઉમેદવારની મહેનત પર પાણી ફરી વળતું હોય છે. સરકારનો હમેંશા પ્રયત્ન રહે છે કે, ઉમેદવારોને કોઇ પણ તકલીફ ના પડે. ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તારીખ 7 મી મે 2023નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
બસનું સંચાલન:આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરીક્ષાનાં દિવસોમાં શાળા/કોલેજોમાં વેકેશન હોવાથી સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છે છે. તો ખાસ કિસ્સામાં તારીખ 06 મે 2023 તથા તા.07 મે 2023નાં રોજ આવી બસને કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા/કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકશે.