Talati Exam 2023 : સાબરમતીથી પાલનપુર તથા ગાંધીગ્રામથી ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો દોડશે - Special three Train
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી તલાટી પરીક્ષા આવતીકાલે 7 મે યોજાશે. આ પરીક્ષામાં બેસનારા પરીક્ષાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. જેમાં સાબરમતીથી પાલનપુર અપ એન્ડ ડાઉન તેમજ ગાંધીગ્રામથી ભાવનગર અપ એન્ડ ડાઉન પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડશે.
અમદાવાદ : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટીની પરીક્ષા 7 મેને રવિવારે બપોરે યોજાવાની છે. તલાટીના પરીક્ષાર્થીઓને આવવા જવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ સગવડ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા બે જોડી ટ્રેન ફક્ત તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે સ્પેશિયલ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્પેશિયલ ભાડા પરની ટ્રેન : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ગુજરાત સરકારના મહેસૂલવિભાગ હેઠળની તલાટી પરીક્ષા 7 મે 2023 રવિવારના રોજ રાજ્યભરના વિવિધ સ્થળોએ યોજાઇ છે. ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી)ની પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા આ દિવસે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી અને પાલનપુર વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેનની જતી અને આવતી એમ બે જોડી અને ગાંધીગ્રામથી ભાવનગર સુધીની એક જોડી સ્પેશિયલ ભાડા પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે :અમદાવાદ ડિવિઝનલ રેલવે પ્રવક્તા જીતેન્દ્ર જયંતના જણાવ્યા અનુસાર તલાટીની પરીક્ષા આપનારાને કોઈ મુશ્કેલી ન પડે માટે રેલવે દ્વારા ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. જેથી પરીક્ષાર્થીઓ માટે આવવું જવું સરળ થઈ જશે. આ વિશેષ ટ્રેનોની વિગતો જોઇએ તો ટ્રેન નં. 09471/09472 સાબરમતી-પાલનપુર-સાબરમતી (ડેમુ) પરીક્ષા સ્પેશિયલ ટ્રેન બે ફેરા લગાવશે. ટ્રેન નંબર 09471 સાબરમતી-પાલનપુર પરીક્ષા સ્પેશિયલ સાબરમતીથી સવારે 04.30 વાગ્યે ઉપડશે અને 07.10 વાગ્યે પાલનપુર પહોંચી જશે. જ્યારે રીતે ટ્રેન નંબર 09472 પાલનપુર-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ પાલનપુરથી સવારે 07.40 ઉપડીને 10.10 વાગ્યે સાબરમતી પહોંચશે. આ રૂટમાં ટ્રેન કલોલ અને મહેસાણા સ્ટેશને પણ ઉભી રહેશે.
પાલનપુર-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ : આ રુટ પરની બીજી ટ્રેન નંબર 09473/09474 સાબરમતી-પાલનપુર-સાબરમતી (ડેમુ) પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (બે ફેરા) ટ્રેન નંબર 09473 સાબરમતી-પાલનપુર પરીક્ષા સ્પેશિયલ સાબરમતીથી 16.30 વાગ્યે ઉપડશે અને 18.55 વાગ્યે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09474 પાલનપુર-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ પાલનપુરથી 19.35 વાગ્યે ઉપડશે અને 22.30 વાગ્યે સાબરમતી પહોંચશે. રૂટમાં આ ટ્રેન કલોલ અને મહેસાણા સ્ટેશને ઉભી રહેશે.
ભાવનગર માટે ટ્રેન રુટ : અને સમય ટ્રેન નં. 09579/09580 ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (બે ટ્રીપ) ટ્રેન નંબર 09579 ભાવનગર-ગાંધીગ્રામ પરીક્ષા સ્પેશિયલ ભાવનગરથી સવારે 04.50 વાગ્યે ઉપડશે અને 09.15 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09580 ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી 15.30 વાગ્યે ઉપડશે અને 20.10 વાગ્યે ભાવનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોલા, બોટાદ, ધંધુકા, ધોળકા અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહેશે.